દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરો પ્રાચીન કાળમાં બનેલાં છે. તેમાંથી જ એક તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના તિરુવનૈકવલમાં આવેલું જંબૂકેશ્વર અખિલનંદેશ્વરી મંદિર પણ છે, જેનું નિર્માણ ચોલવંશના પ્રારંભિક શાસક રાજા કોચેન્ગાનન ચોલે કરાવ્યું હતું. આ શિવ મંદિરમાં ચાલતા ખોદકામ દરમિયાન સોનાના સિક્કાથી ભરેલો એક કળશ મળી આવ્યો છે. મંદિર પ્રશાસને આ સિક્કાઓને પોલીસના હવાલે કરી દીધા છે. તિરુવનૈકવલમાં નવમી શતાબ્દીમાં બનેલા જંબૂકેશ્વર મંદિરમાં મળેલાં કળશના સોનાના સિક્કા જ્યારે ગણવામાં આવ્યા ત્યારે તેનો આંકડો 505 જેટલો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કળશમાં મળેલા સોનાના સિક્કાનું વજન 1.716 કિલો છે. આ સિક્કા લગભગ 200 થી 400 વર્ષ જૂના હોઈ શકે છે, તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. મંદિર પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આ મંદિરનું નિર્માણ લગભગ 1800 વર્ષ પહેલાં ચોલ રાજવંશના શાસન દરમિયાન થયું હતું ત્યારબાદ મંદિર સાથે જોડાયેલાં 166 શિલાલેખો મળ્યાં હતાં. જેમાં ચોલ રાજવંશના શાસક પરાંતક પ્રથમના સમયના શિલાલેખ સૌથી જૂના છે, જે નવમી શતાબ્દીના છે. આની અંદર જ મંદિરના જીર્ણોદ્ધાર અને ધન વિશેની જાણકારી આપવામાં આવી છે. ચોલ રાજાઓ પછી સમયે-સમયે આ મંદિરની દેખરેખ અને પુનઃનિર્માણનું કાર્ય થતું રહ્યું છે. હાલ તિરુવનૈકવલમાં જ્યાં મંદિર છે, ત્યાં પ્રાચીનકાળમાં જાંબુના ઝાડનું જંગલ હતું. મંદિરની પાછળ જ એક ચબૂતરો બનેલો છે, જેની ઉપર જાંબુનું પ્રાચીન ઝાડ હાલ પણ મોજુદ છે. મંદિરમાં મળેલાં શિલાલેખો પ્રમાણે પ્રાચીનકાળમાં જાંબુના ઝાડની નીચે બે ભક્તોને ભગવાન શિવે દર્શન આપ્યાં હતાં. ત્યારથી અહીં શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલું છે, એટલા માટે આ મંદિરનું નામ જંબૂકેશ્વર પડ્યું હતું.
તિરુવનૈકવલમાં આવેલું જંબૂકેશ્વર અખિલનંદેશ્વરી મંદિર ભગવાન શિવ-પાર્વતીનું મુખ્ય મંદિર છે. આ શિવલિંગના પંચતત્ત્વ લિંગોમાંથી એક જળતત્ત્વ લિંગના રૂપમાં ઓળખવામાં આવે છે. લગભગ 100 વીઘામાં ફેલાયેલા આ મંદિરના ત્રણ આંગણા છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ જે આંગણુ છે, ત્યાં લગભગ 400 સ્તંભ બનેલાં છે. આંગણામાં જમણી તરફ એક સરોવર છે, જેની મધ્યમાં મંડપ બનેલો છે. શ્રી જંબૂકેશ્વર મંદિર પાંચમા ઘેરામાં છે. આ જગ્યાએ શ્રી જંબૂકેશ્વર લિંગ વહેતાં પાણીની ઉપર સ્થાપિત છે અને લિંગમૂર્તિની નીચેથી સતત જળ ઉપર આવતું રહે છે. આદિ શંકરાચાર્યે અહીં શ્રી જંબૂકેશ્વર લિંગ મૂર્તિની પૂજા-અર્ચના કરી હતી. અહીં શંકરાચાર્યની મૂર્તિ પણ છે. જંબૂકેશ્વર મંદિરની ત્રીજી પરિક્રમામાં સુબ્રમણ્ય મંદિર છે. અહીં ભગવાન શિવનું પંચમુખી લિંગ પણ સ્થાપિત છે. જંબૂકેશ્વર મંદિરના પ્રાંગણમાં દેવી પાર્વતીનું વિશાળ મંદિર છે. અહીં દેવીની પૂજા જગદમ્બા રૂપમાં કરવામાં આવે છે. એટલા માટે તેમને અખિલનંદેશ્વરી પણ કહે છે. આ મંદિરની પાસે જ ગણેશજીનું મંદિર પણ છે, જેની સ્થાપના આદીશંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવે છે કે પહેલાં દેવીની મૂર્તિમાં ખૂબ જ તેજ હતું, તેને લીધે કોઈ તેમના દર્શન કરી શકતાં નહોતાં પરંતુ આદિશંકરાચાર્યે મૂર્તિના કાનોમાં હીરાથી જડાવેલાં શ્રીયંત્રના કુંડળ પહેરાવી દીધા, જેનાથી દેવીનું તેજ ઓછું થયું. આ મંદિરની આસપાસ મરિઅમ્મન અને લક્ષ્મી મંદિરની સાથે જ અન્ય મંદિર પણ બનેલાં છે.