આજે પ્રારંભિક કારોબારમાં બજારની ચાલ સુસ્ત જોવા મળી હતી, પરંતુ નીચલા સ્તરેથી લેવાલી જોવા મળી રહી છે. શરૂઆતમાં નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને સેન્સેક્સ પણ ૫૦ પોઇન્ટથી વધુ ઊછળ્યો. નિફ્ટી ૧૧,૪૦૦ની ઉપર નીકળી ગઇ હતી અને સેન્સેક્સ ૩૭,૬૦૫ની આસપાસ જોવા મળ્યો છે, જોકે ત્યાર બાદ સેન્સેક્સમાં થોડો ઘટાડો થયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે ૨૩ પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ૩૭,૬૦૯.૪૧ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૩.૮૫ના ઉછાળા સાથે ૧૧,૩૮૧.૬૦ની સપાટી પર ટ્રેડ કરી રહી છે.
આજે પીએસયુ બેન્કો અને આઇટી શેરમાં ખાસ દબાણ જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટી ૨૬,૮૫૧ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય અંગે લેવાયેલા નિર્ણયના પગલે બેન્ક ઓફ બરોડાનો શેર ૧૩.૩૫ ટકા જેટલો તૂટ્યો હતો.
ગઇ કાલે બેન્ક ઓફ બરોડાનો શેર ૧૩૫.૧૦ પર બંધ રહ્યો હતો, જે આજે ઘટીને ૧૨૧.૯૦ની સપાટીએ પહોંચી ગયો હતો. સામે પક્ષે દેના બેન્કના શેરમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. દેના બેન્કનો શેર ગઇ કાલે ૧૫.૯૫ પર બંધ રહ્યો હતો જે વધીને આજે ૧૯.૧૦ પર પહોંચ્યો હતો.
ફાર્મા, મેટલ, એફએમસીજી, રિયલ્ટી શેરમાં સારી લેવાલી જોવા મળી રહી છે. યસ બેન્ક, એચયુએલ, ડો. રેડ્ડીઝ, લ્યુપિન, ટાટા સ્ટીલ જેવા દિગ્ગજ શેરમાં ૧.૧ ટકાથી ૧.૭ ટકાનો ઉછાળો જોવાયો હતો, જ્યારે ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિપ્રો, પાવર ગ્રીડ જેવા શેરમાં ૦.૪થી ૧.૮ ટકાનો ઘટાડો જોવાયો હતો.