સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલે બુધવારે અહીં મહિલા સિંગલ્સમાં પોતપોતાની મેચ જીતી લઇને સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. કોર્ટ પર સૌથી પહેલા ઉતરેલી ચોથી ક્રમાંકિત સિંધુએ ઇન્ડોનેશિયાની લેની એલસાન્દ્રા મૈનાકી સામેની એકતરફી મેચમાં માત્ર 27 મિનીટમાં જ 21-9, 21-7થી સીધી ગેમમાં વિજય મેળવ્યો હતો. હવે તે આગલા રાઉન્ડમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ સામે રમશે.
તેના પછી કોર્ટ પર ઉતરેલી સાઇનાએ એક અન્ય ઇન્ડોનેશિયન ખેલાડી યુલિયા યોસેફિન સુસાંતોને 21-16, 21-11થી હરાવીને આગેકૂચ કરી હતી. સાઇનાનો સામનો હવે પોતાના જ દેશની મુગ્ધા અગ્રે અને થાઇલેન્ડની પોનર્પાવી ચોચુવોંગ વચ્ચે થનારી મેચના વિજેતા સાથે થશે. આ તરફ પુરૂષ ડબલ્સમાં ભારતીય પડકારનો પહેલા રાઉન્ડમાં જ અંત આવી ગયો હતો. મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડી પહેલા રાઉન્ડમાં જ સિંગાપોરના ક્વોલિફાયર ડેની બાવ ક્રિસનાંતા અને કીન હીન લોહ સામે 13-21, 17-21થી હારી ગઇ હતી. જ્યારે સૌરભ શર્મા અને અનુષ્કા પરિખની જોડી પણ મિક્ષ્ડ ડબલ્સમાં હારીને આઉટ થઇ છે.