નવી દિલ્હી : ઍશિયન ચેમ્પિયન ગોળા ફેંક ખેલાડી મનપ્રીત કૌરના સેમ્પલ ચાર વાર પોઝિટિવ આવતાં નેશનલ
ઍન્ટી ડોપિંગ ઍજન્સી (નાડા)ઍ તેને પ્રતિબંઘિત કરી દીધી હતી. નાડાની ઍન્ટી ડોપિંગ ડિસીપ્લીનરી પેનલના
જણાવ્યા અનુસાર મનપ્રીત પર આ પ્રતિબંધ 4 વર્ષ સુધી લાગુ રહેશે જેની શરૂઆત 20 જુલાઇ 2017થી થશે.
નાડાના નિર્દેશક નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે હાં મનપ્રીત કૌરને ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે.
તેની પાસે જો કે ઍન્ટી ડોપિંગ અપીલ પેનલ સામે અપીલ કરવાની તક છે. આ નિર્ણયને કારણે મનપ્રીત
2017માં ભુવનેશ્વરમાં થયેલી ઍશિયન ચેમ્પિયનશિપમાં મળેલો ગોલ્ડ મેડલ અને પોતાનો નેશનલ રેકોર્ડ ગુમાવી
દેશે, કારણકે પેનલે તેને સેમ્પલ લેવાયા તે તારીખથી પ્રતિબંધિત કરી છે.
મનપ્રીતના નમુના 2017માં ચાર વાર પોઝિટિવ મળ્યા છે. ચીનના સિન્હુઆમાં 24 ઍપ્રિલે ઍશિયન ગ્રાં પ્રી પછી
1લી જૂનથી પટિયાલામાં યોજાયેલો ફેડરેશન કપ, 6 જુલાઇથી ભુવનેશ્વરમાં યોજાયેલી ઍશિયન ઍથ્લેટિક્સ
ચેમ્પિયનશિપ અને 16 જુલાઇથી ગંટુરમાં રમાયેલી ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં પણ તેના સેમ્પલ પોઝિટિવ
હોવાનું જોવા મળ્યું હતું. મનપ્રીતે આ તમામ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે શિનહુઆમાં 18.86 મીટરનો
નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. શિન્હુઆ ઍશિયન જીપીમાં તેના સેમ્પલમાં મેથેનોલોન જોવા મળ્યું હતું. જ્યારે
બાકીની ત્રણ સ્પર્ધામાં તેના સેમ્પલમાં ડિમિથાઇલબ્યુટીલામાઇન જોવા મળ્યું હતું.