ઉંઝાના માજી ધારાસભ્ય નારણ પટેલ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાતને લઈ રાજકીય ગરમાટો આવ્યો છે. બાપુએ નારણ પટેલ સાથે મુલાકાત કરતા મહેસાણના રાજકારણમાં ખળભળાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં એનસીપીને સર્વાઈવ કરવાના પ્રયાસો કરી રહેલા બાપુએ નારણ પટેલને મળી દાણો ચાંપીને જોયો છે કે રાજકીય પલીતો ચંપાયો છે તે આવનાર દિવસોમાં ખબર પડ્યા વગર રહેવાની નથી.
ઉંઝામાં આશા પટેલની ભાજપ એન્ટ્રી બાદ બધું ક્ષેમકુશળ લાગી રહ્યું નથી. નારણ પટેલે બાપુ સાથેની મુલાકાતને રાજકીય ગણાવી નથી અને બાપુ સાથે 53 વર્ષના સંબંધો હોવાનું જણાવ્યું છે. સાથો સાથ તેમણે એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ ઉંઝા એપીએમસીમાં મંડળીને ખલાસ કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરી પોતાની નારાજગી અવશ્ય દર્શાવી છે.
ખાસ કરીને નારણ પટેલને ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સાથે વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જીતુ વાઘાણી દ્વારા ઉંઝા એપીએમસીમાં સહકારી મંડળીઓ અને ખેડુત મંડળીઓને સાફ કરી નાંખવામાં આવી રહી હોવાનું નારણ પટેલે જણાવ્યું છે. નારણ પટેલે બાપુ સાથેની મુલાકાતને ઔપચારિક અને વ્યક્તિગત સંબંધોને આધારે થઈ હોવાનું જણાવ્યું છે. પરંતુ રાજકારણના જાણકારો જણાવી રહ્યા છે કે લોકસભા ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી સુધીમાં ઉંઝા-મહેસાણામાં નવાજૂનીના સંકેતો મળી રહ્યા છે. ભાજપ મહેસાણા લોકસભાને કોર્ડન કરી રહ્યું છે પરંતુ ભાજપના પાયાના કાર્યકોરની નારાજગી ધીમે ધીમે બહાર આવી રહી છે અને લોકસભાની ચૂંટણી સુધીમાં મોટાપાયા પર ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી.
બે દિવસ પહેલા આશા પટેલે કાઢેલી રેલીમાં માંડ 50 માણસો હાજર રહ્યા હતા તેવામાં નારણ પટેલને નારાજ કરવાનું ભાજપને પોષાય તેમ નથી. લોકસભા જીતવા માટે ભાજપ નારણ પટેલનો વિકલ્પ શોધી રહ્યું છે પરંતુ આ વખતે નારણ પટેલ તડાફડીના મૂડમાં હોવાનું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. બાપુ સાથેની મુલાકાત બાદ નારણ પટેલ એનસીપી જોઈન કરી રહ્યા હોવાની અટકળો પણ ચાલી રહી છે ત્યારે નારણ પટેલ હવે પછી શું કરશે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.