દેશના સૌથી મોટું બેંકિંગ કૌભાંડ સામે આવ્યા બાદ, નાણાં મંત્રાલયે એક મોટું પગલું ભરતા દેશની તમામ બેંકોને 15 દિવસની મહોલત આપી 50 કરોડથી વધુની એનપીએ વિશે તપાસ કરીને સીબીઆઈને જાણ કરવા સૂચના આપી દીધી છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેંક કૌભાંડ અંગે સમય રહેતા જ જાણકારી મેળવી લેવામાં આવે. આ માટે તેમણે તમામ પબ્લીક સેક્ટર બેંકોના મેનેજીંગ ડાયરેક્ટર્સને સૂચના આપી દીધી છે. એટલું જ નહિં 15 દિવસમાં તપાસ પૂર્ણ કરીને આવા મામલાઓ સીબીઆઈને સોંપી દેવા જણાવ્યું છે.
નાણાં મંત્રાલય ભવિષ્યમાં થનારી છેતરપિડીથી બચવા માટે આ કદમ ઉઠાવતી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 50 કરોડથી વધું એનપીએ ધરાવતા એકાઉન્ટ્સ વિશે તપાસ કરીને તે માહિતી સીબીઆઈને સોંપવા કહેવાયું છે. મની લોન્ડરિંગ એક્ટ, ફેમા, આયાત નિકાસ નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલા મામલાઓમાં પણ તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સનો સહયોગ લેવા પણ જણાવાયું છે.
મંગળવારે નાણાં મંત્રાલયે સરકારી બેંકોને નિર્દેશ આપ્યો હતો કે કોઈ પ્રકારની કામકાજી કે ટેકનિકલ જોખમથી નિપટવા માટે એક્શન પ્લાન તૈયાર કરીને વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી સુનિશ્રિત કરવામાં આવે. પ્લાન માટે 15 દિવસની સમય મર્યાદા પણ આપવામાં આવી છે. આ કામ બને એટલું ઝડપી કરવામાં આવે તેમ તાકિદ કરવામાં આવી છે.
સેક્રેટરીએ કહ્યું કે, પબ્લિક સેક્ટર બેંકને સમય રહેતા પગલાં ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એ સાથે જ આવી ખામીઓ કે ત્રુટીઓને ઓળખીને તેનો નિવેડો લાવવા પગલાં ભરવા જણાવાયું છે, કે જે આગળ જઈને મોટું જોખમ બની શકે તેમ હોય.
ઉલ્લેખનિય છે કે પંજાબ નેશનલ બેંકની સાથે થયેલા કથિત 12,700 કરોડના કૌભાંડમાં અનેક એજન્સીઓ મળીને તપાસ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે સોમવાર સાંજે પીએનબી તરફથી સ્ટોક એક્સચેન્જને નીરવ મોદી અને તેમના બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સીની તરફથી કરાયેલા 1322 કરોડ રૂપિયાના એક અન્ય કૌભાંડ વિશે જાણકારી આપવામાં આવી છે. એ પહેલા 14મી ફેબ્રુઆરીના રોજ પીએનબીમાં એક મોટાં કૌભાંડની જાણ થઈ જેમાં અબજોપતિ જ્વેલર્સ નીરવ મોદી અને તેના સહયોગીઓએ નકલી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ મેળવીને બેંકની એક શાખા સાથે છેતરપિંડી કરી.