રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર હુમલો કરનાર રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની શક્યતા છે. ‘ચોકીદાર ચોર છે’ ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ પાઠવી છે. રાહુલ ગાંધી સામે કોર્ટની અવગણના કરવા માટે આ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 23 એપ્રિલે થવાની છે. ત્યાં સુધી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડશે. નોંધનીય છે કે, બીજેપી નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
સોમવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્વીકાર્યું કે, અમે આવું કોઈ નિવેદન આપ્યું નથી. અમે આ મામલે ખુલાસો માંગીશું. કોર્ટે કહ્યું કે, અમે તે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટ વિશે મીડિયામાં કહેવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. આ મામલે અમે સંપૂર્ણપણે ખુલાસો માંગીએ છીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી આ વિશે ખુલાસો કરશે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલના નિર્ણય પર પુનવિતાર અરજી મંજૂર કરી છે. ત્યારપછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીપ્પણી કરી હતી કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ચોકીદાર ચોર છે. આ નિવેદન વિશે બીજેપી નેતા મીનાક્ષી લેખી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધી પર કોર્ટની અવગણનાનો આરોપ લગાવ્યો હતો.
ચોકીદાર ચોર છે ની નારેબાજી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત તેમના ભાષણો અને રેલીમાં કરી રહ્યા છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે, વડાપ્રધાને રાફેલ ડીલમાં કૌભાંડ કરીને અનિલ અંબાણીને રૂ. 30,000 કરોડનો ફાયદો કરાવ્યો છે. આ મામલે જ રાહુલ ગાંધી વડાપ્રધાન પર પ્રહાર કરી રહ્યા છે.