હૈદરાબાદ : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામા પોતાના પુત્ર ઇઝહાનને જન્મ આપ્યો હતો, પુત્ર જન્મના્ પાંચ મહિના પછી સાનિયા મિર્ઝાએ પોતાના વજનમાં 22 કિલોનો ઘટાડો કરી લીધો છે. સાનિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સગર્ભાવસ્થા દરમિયાન મારું વજન વધીને 89 કિલો થયું હતું,.
સાનિયાના પુત્ર જન્મ પહેલા સગર્ભાવસ્થાના જે ફોટાઓ આવ્યા હતા તેમાં તે જાડી લાગતી હતી અને તેના શરીર પર ચરબી વધી ગયેલી જણાતી હતી.જો કે હવે તેણે પુત્રના જન્મના પાંચ મહિના પછી પોતાના વજનમાં 22 કિલોનો ઘટાડો કરીને પોતાના શરીરને ફેટમાંથી ફિટની શ્રેણીમાં લાવી દીધું છે.
તેણે કહ્યું હતું કે હું હવે ટેનિસ રમું કે નહીં રમું, પણ વધુ વજનને કારણે મારી પોતાની જાતને અરીસમાં જોઇને મને જ સારું લાગતું નહોતું. હું હેલ્ધી રહેવા માગું છું, કારણકે હેલ્ધી રહેવાને કારણે મને સારું લાગે છે. સાનિયાએ જણાવ્યું હતું કે પોતાને ફિટ રાખવા તે દરરોજ ચાર કલાક જીમમા વિતાવે છે. આ દરમિયાન 100 મિનીટ સુધી કાર્ડિયો, 1 કલાક કીક બોક્સિંગ અને એક કલાક પાઇલેટ્સ પણ કરે છે. તેણે યોગને પણ પોતાના વર્કઆઉટનો એક ભાગ બનાવી લીધો છે.