ડેનમાર્ક ઓપનમાં ભારતના પ્રણોયે શાનદાર પ્રદર્શન કરતા ટુર્નામેન્ટમાં ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રણોયે ત્રણવારના ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ચોંગ વેઇ પર સતત બીજીવાર જીત મેળવી હતી. પ્રણોયે શાનદાર રમતનું પ્રદર્શન કરતા મલેશીયાના પુર્વ નંબર વન ખેલાડી ચોંગ વેઇને એક કલાક અને ત્રણ મીનીટની રમતમાં 21-17, 11-21 અને 21-19 થી હાર આપી હતી. તો બીજી તરફ સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે પણ ક્વાટર ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે.
ચાર મહિના પહેલા પ્રણોયે ઇંડોનેશીયા સુપર સીરીધ પ્રીમિયરમાં ચોંગ વેઇને સીધા સેટોમાં પરાજય આપીને અપસેટ સર્જ્યો હતો. પ્રણયે મેચ જીત્યા બાદ પ્રત્રકાર પરીષદમાં કહ્યું હતું કે “મને આજે તેને ફરીવાર હરાવીને ખુશી થઇ રહી છે. આ ઉમરમાં પણ તે સર્વશ્રેષ્ઠ ખેલાડી છે જે કોઇ પણ હાલતમાં રમી શકે છે.” તો બીજી તરફ શ્રીકાંતે કોરીયાના જીયોન હિયોક જીનને 21-13, 8-21 અને 21-8 થી હાર આપી હતી. જ્યારે મહિલા વર્ગમાં સાયના નેહવાલે પ્રી ક્વાટર ફાઇનલ મેચમાં થાઇલેંડની નિતચાનોન જિંદાપોલને 22-20 અને 21-13 થી હાર આપી ક્વાટર ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી.
હવે પ્રણોયનો ક્વાટર ફાઇનલમાં સામનો કોરીયાના ટોચના ક્રમાંકીત સોન વાન સામે થશે. તો બીજી તરફ ઇંડોનેશિયાના અને ઓસ્ટ્રેલિયામાં બે સુપર સીરીઝ ખિતાબ પોતાના નામે કરનાર શ્રીકાંતનો સામનો હાલના વિશ્વ ચૈમ્પિયન વિક્ટર એક્સેલસન સામે થશે. ગ્લાસ્ગો વિશ્વ ચૈમ્પિયનશિપમાં કાસ્ય પદક જીતનાર સાયના નેહવાલ ક્વાટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચી સામે ટકરાશે.