Russia Ukraine War:યુક્રેનને ફ્રાન્સની મિસાઇલ સહાય,પુતિનની ચેતવણી છતાં નાટો દેશોનું ચાલુ છે સમર્થન
Russia Ukraine War:પુતિનની પરમાણુ ચેતવણીની કોઈ અસર ન થવા છતાં અમેરિકા અને બ્રિટન બાદ હવે ફ્રાન્સે પણ યુક્રેનને ઘાતક મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે કહ્યું કે યુક્રેનને સ્વરક્ષણમાં ફ્રેન્ચ લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે અને ફ્રાન્સે યુક્રેનને મદદ કરવા માટે કોઈ ‘રેડ લાઈન’ નક્કી કરી નથી.
રશિયા-યુક્રેન યુદ્ધમાં નાટોના સભ્ય દેશોની ભૂમિકા હવે વધુ સક્રિય બની છે. પુતિને ચેતવણી આપી હતી કે જો નાટો દેશોની મિસાઈલ રશિયાના ક્ષેત્રમાં આવશે તો તેને નાટોનો હુમલો માનવામાં આવશે. આમ છતાં નાટો દેશો યુક્રેનને સતત સૈન્ય સહાય આપી રહ્યા છે.
ફ્રાન્સની આ મંજૂરીને લઈને રશિયાએ ચેતવણી આપી છે કે આ પગલું યુક્રેન માટે મદદ નહીં પરંતુ મૃત્યુની ઘૂંટણી સમાન સાબિત થઈ શકે છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ નિર્ણયને ગંભીર ખતરો ગણાવ્યો છે. અગાઉ, અમેરિકાએ ATACMS મિસાઇલોને મંજૂરી આપી હતી અને બ્રિટને સ્ટોર્મ શેડો મિસાઇલોના ઉપયોગની મંજૂરી આપી હતી.
ફ્રાન્સની સ્કેલ્પ મિસાઈલો બ્રિટનની સ્ટોર્મ શેડો મિસાઈલ જેવી જ છે, જે લાંબા અંતરની હવાથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. તેમની રેન્જ 550 કિલોમીટર છે અને ઝડપ 1200 કિલોમીટર પ્રતિ કલાકની છે.હવે તે જોવાનું રહે છે કે રશિયા આ વધતા તણાવ પર કેવી પ્રતિક્રિયા આપે છે, ખાસ કરીને તાજેતરમાં યુક્રેન પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલથી હુમલો કર્યા પછી.