કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધતા મંગળવારે કહ્યું હતું કે, ‘ન્યાય’ યોજના અંતર્ગત પાંચ કરોડ મહિલાઓના ખાતામાં પૈસા જશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા મુજબ ‘ન્યાય’ યોજના અંતર્ગત દેશના સૌથી ગરીબ 20 ટકા લોકોને દર મહિને 6,000 રૂપિયા એટલે કે દર વર્ષે 72,000 રૂપિયા અપાશે. મહારાષ્ટ્રના નાંદેડમાં રાહુલ ગાંધીએ લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, ‘જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, દેવું નહીં ભરી શકનારા ખેડૂતોને જેલ નહીં મોકલે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જો દેવું નહીં ચૂકવી શકવાના કારણે અનિલ અંબાણીને જેલમાં મોકલવામાં ના આવે તો બાકી દેવાના કારણે ખેડૂતોને કેમ જેલમાં મોકલવાના?’ ભારતના યુવાનોને બે કરોડ નોકરીઓના વાયદાને પૂર્ણ નહીં કરી શકવા માટે વડાપ્રધાન મોદીની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે દર વર્ષે 22 લાખ નોકરીઓ બહાર પાડીશું. ભારતમાં છેલ્લા 45 વર્ષમાં બેકારી ચરમસીમા પર પહોંચી ગઈ છે.