વલસાડના ધરમપુરમાં લાલડુંગરી મેદાનમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પરંપરા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. જ્યાં આ પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ પ્રચારના શ્રીગણેશ કરી લોકસભાની ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો. હવે રાહુલ ગાંધી એ દિશામાં પગલું ભરી રહ્યા છે.
ધરમપુરમાં આવીને સૌ પ્રથમ રાહુલ ગાંધીએ લોકોનુ અભિવાદ ઝીલ્યું હતું. મંચ પર રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. રાહુલ ગાંધીએ શરૂઆતમાં આદિવાસીઓએ પરંપરાગત નૃત્યને જોયું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આદિવાસીના પ્રતિકરૂપ ફાળીયું રાહુલ ગાંધીને માથે બાંધ્યું હતું. રાહુલ ગાંધીનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે અહેમદ પટેલના ધર્મના બહેન કાશ્મીરા બહેને તેમને ગાલ પર ચુંબન કર્યું હતું.