દિલ્લી: ૧૬ વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલ આ વર્ષનું સમાપન નંબર વન સાથે કરશે. બીજો ક્રમાંક ધરાવતા સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર પાસે નંબર વન બનવાની તક હતી પરંતુ તે પેરિસ ઓપનમાંથી ખસી ગયો હતો. નડાલે પેરિસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં કોરિયાના હિયોન ચુંગને ૭-૫, ૬-૩૬થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. જેને કારણે નડાલને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું અને વર્ષનું સમાપન વિશ્વ ટેનીસ રેકિંગમાં પહેલા સ્થાન સાથે કરશે.
ઉલ્લેખનીય છે કે રફેલ નડાલ ચોથી વખત નંબર વન સાથે વર્ષનું સમાપન કરશે. આ પહેલાં નડાલે ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૩માં નંબર વન સાથે વર્ષનું સમાપન કર્યું હતું. ગત વર્ષના અંતે નડાલ નવમા ક્રમે હતો પરંતુ તેણે જોરદાર વાપસી કરતાં આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનનું ટાઇટલ જીતવાની સાથે બેઇજિંગ ઓપન, મેડ્રિડ માસ્ટર્સ, બાર્સેલોના અને મોન્ટે કાર્લો માસ્ટર્સનું ટાઇટલ પણ જીત્યો હતો. જેને કારણે તેને નંબર વનનું સ્થાન મેળવી લીધું છે.