પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે દાવો કર્યો છે કે, પાકિસ્તાન સરકાર પાસે ભરોસાપાત્ર માહિતી છે કે ભારત 16થી 20 એપ્રિલની વચ્ચે ફરી એક વાર તેમની પર હુમલો કરશે. ઉલ્લેખનીય છે બાલાકોટમાં ભારતીય વાયૂદળની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સતત બંને દેશો વચ્ચે વધેલા તણાવને લઇને નિવેદન કરી રહ્યું હતું.
પાકિસ્તાનના ડોન સમાચાર પત્રએ કુરૈશીના હવાલાથી ભારત તરફથી હુમલાની તૈયારી હોવાની જાણકારી આપી હતી. કુરૈશીએ એક પ્રેસ કોન્ફરેન્સમાં જણાવ્યું હતું કે, સરકારની ગુપ્ત એજન્સીઓ પાસે ભરોસાપાત્ર જાણકારી છે કે ભારત એક નવી યોજના તૈયાર કરી રહ્યું છે. જે મુજબ ભારત 16થી 20 એપ્રિલની વચ્ચે પાકિસ્તાન પર હુમલો કરશે. કુરૈશીએ સંબોધન કર્યું હતું કે, એક નવી ઘટનાને ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેનો મુખ્ય હેતુ માત્ર પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહીને સાચી સાબિત કરવા તથા ઇસ્લામાબાદ વિરુદ્ધ રાજકીય દબાણ વધારવાનો છે.
નોંધનીય છે કે, પૂલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયૂદળ દ્વારા POKના બાલાકોટમાં ચાલતા આતંકી સંગઠનો સામે સખત કાર્યવાહી કરતા પાકિસ્તાનની કમર તોડી નાંખી હતી. આ હુમલામાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાનો ભારત દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જેમાં જૈશના મુખિયાનો બનેવી યૂસૂફ અઝહર પણ માર્યો ગયો હતો.
બીજી તરફ પાકિસ્તાન સતત ભારતીય સરહદો પર ગોળીબાર કરીને સેના છાવણીઓ અને વિસ્તારમાં સ્થિત રહેઠાણોને નિશાનો બનાવી રહ્યું છે. જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેના તરફથી પણ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.