Meena Yasmin: પ્રકરણ-3 મીના યાસ્મીન – કૈસર હિજાબીને કહી દો મીના યાસ્મીનને નિકાહની દરખાસ્ત ના-કૂબૂલ છે
- તુમ્હારે પાંવ ઉફ યે પાંવ કિતને ખૂબસૂરત હૈ,
- ઈન્હેં તુમ જીસ જગા રખ દો વહીં કશ્મીર બન જાયે
- કશ્મીર કી વાદીયોં મે બેપર્દા જો નિકલે હો,
- ક્યા આગ લગાઓગે બર્ફીલી ચટ્ટાનોં પર…
Meena Yasmin: કૈસર હિજાબી એકધારી રીતે બોલી રહ્યો હતો. તે ખૂબ જ નાલાયકીપૂર્ણ રીતે શાયરી સંભળાવી રહ્યો હતો પણ મીના અંદરોઅંદર ગુસ્સામાં ભડકી રહી હતી.
કૈસર હિજાબી બોલ્યો, મીના, અબ બસ કુછ વક્ત કા ઈન્તેઝાર હૈ, ફિર ઉસ કે બાદ તુમ હંમેશા કે લિએ હમારી હો જાઓગી…હકીમ, ઈસે તૈયાર કરો…કલ નિકાહ હોગા….
Meena Yasmin: કૈસર હિજાબીની વાત સાંભળીને મીના યાસ્મીન થોડી હલબલી ગઈ. આ માણસ મારી સાથે નિકાહ કરવા માંગે છે, તે મનોમન બોલી, હરગીઝ નહીં. પુરી તાકાત લગાવીને તે બેઠી થઈ. તેનું મગજ પૂરપાટ દોડી રહ્યું હતું. કૈસર હિજાબી જેવા માણસનું હવે મોઢું ન જોવા તેણે ગાંઠ વાળી. મીણનો આછો અજવાસ કમરામાં પથરાયેલો હતો.એટલી વારમાં હકીમ હડ્ડી ચિકન દાખલ થયો. તેની પાસે આવીને હકીમ કાશ્મીરી ભાષામાં પૂછે છે..
તોહય છિવા વારય?…(તું કેમ છે)
મીના પણ કશ્મીરીમાં જવાબ આપે છે અને કહે છે, દા સ્ટા દર્રૈન સાર, અહંસા, અહંસા…(હું ઠીક છું, ઠીક છું).
મીનાને હકીમ આગળ કહે છે, કૈસર હિજાબી તારી સાથે નિકાહ કરવા માંગે છે,તું તૈયાર છે?
મીના સટ્ટાક દઈને ઈન્કાર કરી કહે છે, બિલ્કુલ નહીં. હું અહીં નિકાહ-નિકાહ રમવા આવી નથી. કૈસર હિજાબીને કહી દો મીના યાસ્મીનને નિકાહની દરખાસ્ત ના-કૂબૂલ છે.
સોચ, અંજામ ઠીક નહીં હોગા…
સોચ લિયા હકીમ સાહબ, અંજામ કી ફિક્ર હોતી તો યહાં નહીં હોતી, ખેતોં મેં સફરજન કાટ રહી હોતી ઔર ચિનાબ કી છાંવ મે સો રહી હોતી, ઔર બર્ફ કે ગોલોં સે ખેલ રહી હોતી, ગોલા બારુદ સે નહીં… તો મૈં .યે સમઝ લૂં કે તુમને સરાસર ઈન્કાર કર દીયા હૈ…ઠીક હૈ…અબ આગે ક્યા હોગા, મુઝે ખુદ નહીં માલૂમ…..આટલું કહીને હકીમ કમરામાંથી નીકળી જાય છે.
હકીમનાં જતાંવેંત જ મીનાને કળ વળી રહી ન હતી. તે વિચારી રહી હતી હવે આગળ શું કરવું. કૈસર હિજાબી અને હકીમ હડ્ડી ચિકન તો નિકાહને લઈ તલપાપડ થઈ ગયા છે. કૈસર હિજાબીનો હુકમ નહીં માનીએ તો ચોક્કસપણે એ બળજબરી કરશે અથવા તો ગોળી ધરબી દેશે.
મીનાએ નક્કી કર્યું હવે અહીંયાથી ભાગી જવામાં જ સાર છે. નહિંતર આ બન્ને આતંકીઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. થોડી વાર પછી હકીમ હડ્ડી ચિકન ફરી એના કમરામાં આવે છે.
મીના યાસ્મીન, જાણે છે કે મેં તને અમારા ગ્રુપમાં શામેલ કેમ કરી છે? કારણ કે તારા વિશે મેં ઘણું સાંભળ્યું હતું. તેં અનેક મુજહિદોની મદદ કરી છે. કાશ્મીર માટે તારી કાશ્મીર પરસ્તીની મુજાહિદ્દીનોમાં અનેકવાર ચર્ચા થાય છે. મીના યાસ્મીન કાશ્મીરની અન્ય યુવતીઓ માટે પ્રેરણા બની રહી છે. પણ એક વાત કહેવા આવ્યો છું…
મીના બોલી, શું…
મને કૈસર હિજાબીની આંખમાં તારા માટે સાપોલિયા રમતા દેખાયા છે. નિકાહનો ઈન્કાર કરીને તું એની સાથે ધર્ષણમાં ઉતરી રહી છે. મને પણ ભીતરથી હતુંકે તું નિકાહ માટે ઈન્કાર કરે. સાચું કહું તો તારો ઈન્કાર મને ગમ્યો છે. હવે તું એક કામ કર…અહીંયાથી ભાગી જા….ભાગી જવામાં જ તારી સલામતી છે. કૈસર હિજાબીને તો હું ફોડી લઈશ.
પણ હકીમ સાહેબ, ભાગીને હું ક્યાં જઈશ..આ આઝાદ કાશ્મીરમાં ક્યાં સલામત રહીશ. કોણ મને આશ્રય આપશે અને કોણ મદદ કરશે.
એની ચિંતા છોડી દે…તું સીધી જ મુઝફ્ફરપુર પહોંચી જા, આપણે જ્યાંથી અહીંયા આવ્યા છીએ એ જ રસ્તે પાછા જવામાં જોખમ છે એટલે મુઝફ્ફરપુર પહોંચીને હેન્ઝા કબીર નામની યુવતી મળશે. એ તને હિન્દુસ્તાન જવામાં મદદ કરશે. હેન્ઝા અમારા ગ્રુપમાં નથી પરંતુ એ તારા જેવા અટવાયેલા અને નિરાશ્રિત લોકોને મદદ કરે છે. કેટલીક વાર રેફ્યુજી કેમ્પ ચલાવે છે. બાકીનો બંદોબસ્ત હું કરી દઉં છું…મારું નામ કોઈ પણ જગ્યાએ લેતી નહીં.
હકીમ હડ્ડી ચિકન માટે તેના મગજમાં જે વિચારો ચાલી રહ્યા હતા તે બદલાઈ ગયા. તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તેં બોલી,
હકીમ સાહેબ. બાહ-યાહર-લા( આભાર), તમારા અહેસાનને ચૂકવવાનો કોઈક મોકો મળશે તો અચૂક ચૂકવીશ. મને મદદ કરવા બદલ આભાર…
યે વક્ત રોને-ધોને કા નહીં હૈ…જે કંઈ પણ છે તે સાથે લઈ લે. આ પણ રાખ. મીનાના હાથમાં થોડાક રુપિયા આપી હકીમ હડ્ડી ચિકન ફરી બોલ્યો, ઝડપથી નીકળવું પડશે,મોડું ન કરતી. આપણે હિન્દુસ્તાનમાં ફરી મળીશું અને મારું કામ યાદ રાખજે. મને કોઈ પણ કિંમતે વિતસ્તા બેદી જોઈએ છીએ. કૈસર હિજાબીને હું મારી રીતે વાળી લઈશ.
મીનાએ ઝડપથી પોતાની પાસે જે થોડો ઘણો સામાન હતો તે કપડાની થેલીમાં ભરી લીધો. હકીમની વાંહે વાંહે ચાલવા લાગી. બન્ને એક સાંકડા-માંકડા રસ્તા પર ચાલીને આગળ વધી રહ્યા હતા ત્યાં જ પાછળ જોયું તો જે ઘરમાંથી તેઓ બહાર નીકળ્યા હતા ત્યાં આગ લાગી ગઈ હતી. ઘૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. હકીમે જોયું તો એના મોંમાથી સિસકારો નીકળો ગયો.
ઝડપથી ચાલતા-ચાલતા મીના બોલી, યે ક્યા હુઆ…
હકીમ બોલ્યો, આગ લાગી હોય એવું લાગે છે..
કૈસર હિજાબીનું શું થયું હશે?
પતા નહીં…બાદમેં માલૂમ કરુંગા…અભી તુમ કો સલામત જગા પહોંચાના હૈ…બન્ને રીતસર દોડવા માંડ્યા.
હિમાયલ પર્વતમાળમા પીર પંજાલના પહાડની ટેકરી પર તેઓ આવીને અટકી ગયા. હકીમ બોલ્યો, મીના આપણો સાથ અહીંયા સુધીનો જ હતો. હવે હિન્દુસ્તાનમાં મળવાનું થશે. આ ઘાટીનો જે વાંકો-ચૂકો માર્ગ દેખાય છે તે ઈમકાન નામના ગામે પહોંચશે. ઓળખ છુપાવીને રાખજે. ઈમકાન ગામમાં પહોંચી ત્યાંથી મુઝફ્ફરપુર પહોંચી જજે. ફિરાન સાર મીના યાસ્મીન…
મીના યાસ્મીનએ પણ કાશ્મીરીમા વળતો જવાબ આપ્યો, બોલી, ફિરાન સાર હકીમ સાહેબ(અલવિદા હકીમ સાહેબ).
——–
હકીમ હડ્ડી ચિકનનને વિદાય આપી મીના યા હોમ કરીને મુઝફ્ફરપુર પહોંચવા માટે ખીણોને પસાર કરવા નીકળી પડી. ક્યારેક ખીણ સર્પાકારે વળાંકો લેતી તો ક્યારેક માત્રને માત્ર પહાડો જ દેખાતા હતા. ક્યારેક એવું લાગતું કે 10 હજાર ફૂટ પર ભ્રમણ કરી રહી છે તો ક્યારેક એવું લાગતું કે તે ખીણની તળેટીમાં પહોંચી ગઈ છે અને ગામ બિલ્કુલ નજીક છે. કેટલીક વાર એક પહાડ પરથી બીજા પહાડ પર જવાનું ખૂબ જ કપરુ બની જતું હતું પણ મીનાએ હિમત હારી નહી. તે એકલવીર બનીને બસ ચાલતી રહી ચાલતી રહી.
જેલમ જેવી વિશાળ નદી પણ પહાડોની વચ્ચે એક દોરડા જેવી ભાસતી હતી. ખડકો સાથે અથડાઈને જેલમનો પ્રવાહ ધ્વિનના કરતો હતો. કેટલીક જગ્યાએ નદીનું પાણી લાલ જોવા મળ્યું. દુર દુર સુધી વિશાળ હિમાચ્છાદિત શ્રુંગ અને તેની વચ્ચે હરિત ભૂમિ…કવિઓએ સાચું જ કહ્યું છે કે કાશ્મીર મોતીયોની વચ્ચે જડિત થયેલું હીરાપન્ના છે. તે ખીણમાંથી પસાર થઈ અને તે બર્ફિલા રસ્તા પર પહોચી. ક્યારેક તેને અલપઝલપ ધોધ જોવા મળ્યા તો ક્યાંક નાના-મોટા તળાવ દેખાયા. તે કુદરતના અખૂટ સૌંદર્યને એક પ્રકારના છૂપા ભય સાથે મનોમન માણી રહી હતી. એવું લાગતું હતું કે દેવદાર અને પાઈનના વૃક્ષો પહાડોમાં જાણે ચોંટાડી દેવાયા છે કે બરફમાં અદ્વર લટકી રહ્યા છે.
જેમ તેમ કરીને કઠિન રસ્તાઓ પર ચાલીને મીના યાસ્મીન ઈમકાન ગામે પહોંચી. ઈમકાન પહોંચતા જ તેને ખૂબ થાક લાગ્યો હતો. તે આરામ કરવા માંગતી હતી. સારી વાત એ હતી કે રસ્તામાં થોડી અગવડ અને માર્ગ દુર્ગમતાના અનુભવ સાથે અન્ય કુદરતી વિપદાનો સામનો કરવો પડ્યો ન હતો. પણ હવે પછીના સફરની તેને ચિંતા હતી. તેણે લાકડાના મકાનમાં આશ્રય લીધો. તે આરામ કરવા લાગી ત્યાં જ એક યુવક તેના કમરામાં આવ્યો. તેણે કાશ્મીરીમાં મીના યાસ્મીનને કહ્યું…
ચુક વુચુન મીના યાસ્મીન (તમારું સ્વાગત છે મીના યાસ્મીન)
(ક્રમશ:)
(disclaimer: આ નવલકથાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે અને કોઈ ઘટના કે નામ સાથે સંબંધિત નથી. જો કોઈ નામ કે ઘટના સાથે સંબંધિત થાય છે તો એ યોગાનુયોગ હશે.)