સિંગાપોર : સિંગાપોર ઓપનમાં અહીં પીવી સિંધુએ એક કટોકટીપૂર્ણ મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જો કે ભારતની અન્ય એક સ્ટાર શટલર સાઇના નેહવાલ ક્વાર્ટર ફાઇનલમાં નોઝોમી ઓકુહારા સામે સીધી ગેમમાંમ હારી ગઇ હતી. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં 18મી ક્રમાંકિત ચીનની ખેલાડી કેઇ યાનયાન સામે 21-13, 17-21, 21-14થી વિજય મેળવ્યો હતો. હવે તેનો સામનો સાઇના સામે જીતેલી નોઝોમી ઓકુહારા સાથે સેમી ફાઇનલમાં થશે.
હાલની સિઝનમાં સિંધુની આ બીજી સેમી ફાઇનલ છે. તે આ પહેલા ઇન્ડિયા ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશી હતી. બીજી ક્રમાંકિત ઓકુહારાએ છઠ્ઠી ક્રમાંકિત સાઇના નેહવાલને 21-18, 21-13થી હરાવી હતી. યાનયાન સામેની મેચમાં સિંધુએ પહેલી ગેમ તો જીતી લીધી પણ તે પછી ચાઇનીઝ ખેલાડીએ મેચમાં પાછા ફરીને બીજી ગેમ જીતીને મેચને નિર્ણાયક ગેમ સુધી લઇ ગઇ હતી. ત્રીજી ગેમમાં જોકે સિંધુએ સરસાઇ મેળવી અને તે છેલ્લે સુધી જાળવી રાખી હતી.