કુઆલાલમ્પુર : ભારતની ટોચના શટલર પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે બુધવારે અહીં મલેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર 750 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જયારે સાઇના નેહવાલ પણ બુધવારે રાત્રે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં હારીને બહાર થઇ હતી. સમીર વર્મા અને ઍચ ઍસ પ્રણોય પણ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થયા હતા. સિંધુઍ વિશ્વની 20મી ક્રમાંકિત આયા ઓહેરીને ઍક મજબૂત મેચમાં 22-20 21-12થી હરાવી હતી. જ્યારે શ્રીકાંતે ઇન્ડોનેશિયાના ઇહસાન મૌલાના મુસ્તફાને 21-18, 21-16થી હરાવ્યો હતો.
પાંચમી ક્રમાંકિત સિંધુ હવે જેની સામે તે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં જ હારી હતી તે કોરિયાની સુંગ જી હ્યુન સામે રમશે. જ્યારે શ્રીકાંત થાઇલેન્ડના ખોસિત ફેતપ્રદાબ સામે રમશે. ઍચઍસ પ્રણોયને થાઇલેન્ડના સિથિકોમ થમાસિને 12-21, 21-16, 21-14થી હરાવ્યો હતો. ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જાડી પહેલા રાઉન્ડમાં જ હારી ગઇ છે.
જોકે સાઇના નેહવાલ પહેલા રાઉન્ડનો અવરોધ પાર કરી શકી નહોતી. પેટની તકલીફમાંથી બહાર આવીને વાપસી કરી રહેલી સાઇના નેહવાલે પહેલા રાઉન્ડમાં જ આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે 22-20, 15-21, 10-21થી હારી ગઇ હતી.