કુઆલાલમ્પુર : ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેવ શનિવારે ફીફા કાર્યકારી સમિતિના સભ્ય તરીકે ચુંટાયા હતા. આ કમિટીમાં ચુંટાનારા તે પ્રથમ ભારતીય બન્યા હતા. તેમની તરફેણમાં 46માંથી 38 મત પડ્યા હતા. એશિયન ફૂટબોલ કાઉન્સીલ (એએફસી) તરફથી પાંચ સભ્યોને ફીફા કાઉન્સીલમાં ચૂંટવામાં આવ્યા હતા, જેમાં એએફસી અધ્યક્ષ અને એક મહિલા સભ્ય પણ સામેલ છે.
કુઆલાલમ્પુરમાં શનિવારે એએફસીની 29મી કોંગ્રેસ દરમિયાન આ ચૂંટણી થઇ હતી. સભ્યોની પસંદગી 2016થી 2023 સુધીના ચાર વર્ષના કાર્યકાળ માટે થઇ છે. ફીફા માટે ચૂંટાયા પછી પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે હું તેના માટે ઘણો કૃતજ્ઞ છું. હું એએફસીના તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું, જેમણે મને આ પદ માટે લાયક માન્યો. ફીફા પરિષદના સભ્ય તરીકે મારી જવાબદારી મોટી છે. હું માત્રા મારા દેશનું જ નહીં પણ સમગ્ર ઉપખંડનું પ્રતિનિધિત્વ કરીશ. એશિયામાં ફૂટબોલનો ઝડપથી વિકાસ કરવા માટે મારા પર મુકાયેલા વિશ્વાસ માટે તમારા બધાનો આભાર.
આ સમયે પટેલની સાથે એઆઇએફએફના મહામંત્રી કુશલ દાસ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુબ્રત દત્તા પણ હાજર રહ્યા હતા. દત્તાએ કહ્યું હતું કે પટેલનો વિજય ભારતીય ફૂટબોલ માટે એક મોટી સિદ્ધિ છે. પટેલને અભિનંદન, તેઓ આ સન્માનના સંપૂર્ણ હકદાર હતા. તેમની આગેવાનીમાં ભારતીય ફૂટબોલ વધુ ઉંચાઇએ પહોંચ્યું છે. ફીફા પરિષદના સભ્ય તરીકે તેમની હાજરીથી એશિયન ફૂટબોલને ઘણો ફાયદો થશે.