PM Modi: ભ્રષ્ટાચારી, કામચોર-લાપરવાહ નેતાઓને પણ કાઢી મૂકવા ન જોઈએ?
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના સેક્રેટરીઓ સાથેની એક બેઠક દરમિયાન ભ્રષ્ટાચારી અને લાપરવાહ અધિકારીઓ તથા કર્મચારીઓને નિયમાનુસાર તથા જરૂરી પ્રક્રિયાઓ ઝડપભેર નિપટાવીને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ, તેવી કડક સૂચના આપી હોવાના અહેવાલોના પ્રતિભાવો ઉપરાંત કડક અને વ્યંગાત્મક પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
PM Modi: અહેવાલો મુજબ યોગ્ય પરફોર્મન્સ નહીં આપનાર, ફરજો પ્રત્યે લાપરવાહ અને ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવા અને સમયાંતરે મૂલ્યાંકન કરતા રહીને આ પ્રકારના અધિકારી-કર્મચારીઓને કડક સજા કરવાનો નિર્દેશ સચિવોને વડાપ્રધાને આપ્યો હતો.
આ જોગવાઈ એવી છે, જેમાં કોઈપણ સક્ષમ સત્તાધારી અધિકારીને એમ લાગે કે તેના તાબા હેઠળના અધિકારી કે કર્મચારીની કામગીરી યોગ્ય્ નથી, કાર્યક્ષમ નથી કે ભ્રષ્ટ કે લાપરવાહ છે, ફરજ પ્રત્યે બેદરકાર છે, તો તેને નિવૃત્તિના નિયત સમય પહેલા જ ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે. આ ઉલ્લેખ સાથે વડાપ્રધાને તમામ વિભાગોના સેક્રેટરીઓને પોતપોતાના વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની કામગીરી, મૂલ્યાંકન તથા સતત મોનિટરીંગ કરીને પેધી ગયેલા, ભ્રષ્ટ અને ડાંડ અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાના નિર્દેશો આપ્યા હતાં.
આ અહેવાલો પછી તંત્રની તુમાખી તથા અધિકારીઓની મનસ્વી હરકતો સામે
આ પ્રકારની કાર્યવાહીની જરૂર જણાવીને આ પ્રકારના નિર્દેશોને આવકાર અપાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે વ્યંગાત્મક ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. એવા પ્રત્યાઘાતો પણ વહેતા થયા છે કે તંત્ર આજે કડક કાર્યવાહી થાય તેવી જ રીતે ભ્રષ્ટાચારી અને લાપરવાહ નેતાઓને પણ ઘરભેગા ન કરવા જોઈએ. કેન્દ્ર તથા રાજ્ય સરકારોમાં કરોડો-અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો હોય, કેસ ચાલતા હોય કે ગંભીર તપાસો ચાલતી હોય, તેને પણ સરકાર કે સંગઠનમાં મોટા મોટા હોદ્દાઓ કે મંત્રીપદુ આપવામાં આવતું હોય છે, તે યોગ્ય છે? તેવા સવાલ સાથે ભ્રષ્ટ અને ખરાબ પરફોર્મન્સ કરતા નેતાઓ જો શાસક પક્ષમાં જોડાઈ જાય, તો તેના આક્ષેપો ધોઈ નાંખતું જાદુઈ વોશીંગ મશીન શું નેતાઓ માટે જ બન્યું છે? તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.