પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર રાહત મળશે તેવી લોકોની આશા પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. આજે પેટ્રોલમાં પ્રતિલિટર ૧૦ પૈસાનો અને ડીઝલમાં નવ પૈસાનો વધારો ઝીંકાયો છે. આ વધારાના પગલે મહારાષ્ટ્રનાં ૧૨ શહેરોમાં પેટ્રોલની પ્રતિલિટર કિંમત રૂ. ૯૧ને વટાવી ગઇ છે.
મુંબઇમાં પણ પેટ્રોલનો ભાવ રૂ.૯૦ની આસપાસ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના પરભની જિલ્લામાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૯૧.૩૨ની કિંમતે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૮૨.૧૬ અને ડીઝલ પ્રતિલિટર રૂ. ૭૩.૮૭એ પહોંચી ગયું છે.
રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, ટ્રેડ વોર અને ગ્લોબલ ટેન્શન વધવાથી પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘાં થઇ ગયાં છે. મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની તુલનાએ વેટ વધુ હોવાથી બાર શહેરોમાં પેટ્રોલની કિંમત રૂ. ૯૧ને વટાવી ગઇ છે.
મુંબઇમાં ૩૧ ઓગસ્ટ બાદ પેટ્રોલમાં પ્રતિલિટર રૂ. ૨.૫૦નો અને ડીઝલમાં રૂ. ૩.૯૨નો ભાવવધારો ઝીંકાયો છે. ૧ ઓગસ્ટથી દેશમાં પેટ્રોલ ડીઝલની િકંમતમાં લગભગ દરરોજ વધારો થવાનો સિલસિલો સતત જારી છે.