પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત જારી જ છે અને આજે પણ પેટ્રોલમાં પ્રતિલિટર ૩૯ પૈસાનો અને ડીઝલમાં ૪૪ પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવતાં દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલ પ્રતિ લિટર રૂ. ૮૦ની સપાટીને વટાવી ગયું છે. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૩૮ પૈસાના વધારા સાથે રૂ. ૮૭.૭૭ પર પહોંચી ગઇ છે અને ડીઝલની કિંમત ૭૭ પૈસા વધીને રૂ. ૭૬.૯૮ પર પહોંચી ગઇ છે.
પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે મોદી સરકાર સતર્ક થઈ ગઈ છે અને કેન્દ્રીય પેટ્રોલિયમ-કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને હવે જીએસટીના દાયરા હેઠળ લાવવું જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પ્રત્યે સતર્ક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય-આર્થિક સ્થિતિના કારણે ભાવ વધી રહ્યા છે.
અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવને કાબૂમાં લેવા માટે વૈકલ્પિક ઉપાયો શોધી રહી છે. ખાસ કરીને ઇરાન પર અમેરિકાના પ્રતિબંધને લઇને કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના પુરવઠા માટે વૈકલ્પિક માર્ગ પર વિચારણા કરી રહી છે.
ઓઈલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના પ્રતિબંધોની સમયમર્યાદા જોતા જો તત્કાળ કોઇ પગલાં ભરવામાં નહીં આવે તો ક્રૂડ ઓઇલના ભાવ ૯૦થી ૧૦૦ ડોલર સુધી પહોંચી શકે છે અને તેનો કારમો ફટકો ભારત સહિતના એશિયન દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી શકે છે.
સરકાર કોઇ પણ જાતનું નુકસાન ન થાય તે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર વિચારણા કરી રહી છે. સરકાર ઇચ્છે તો ડ્યૂટી ઘટાડીને કિંમત ઘટાડી શકે છે અને તેનાથી રેવન્યુ પર કોઇ ખાસ અસર પડશે નહીં.