મોન્ટેરી : સ્પેનની સ્ટાર ટેનિસ ખેલાડી ગર્બાઇન મુગુરુઝાએ જોરદાર પ્રદર્શન કરીને મોન્ટેરી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન નિર્ધારિત કરી દીધું છે. મુગુરુઝાએ સેમી ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને સ્લોવાકિયાની મેગડેલેના રિબારીકોવાનો સીધા સેટમાં 6-2, 6-3થી હરાવી હતી. ડબલ્યુટીએ રેન્કિંગમાં હાલ 19મા ક્રમે બેઠેલી મુગુરુઝા હવે ફાઇનલમાં બેલારસની વિક્ટોરિયા અઝારેન્કા સામે રમશે.
મુગુરુઝાને પોતાની હરીફ ખેલાડીને ઘુંટણમાં થયેલી ઇજાનો ફાયદો થયો હતો અને તેણે આ ફાયદાનો લાભ ઉઠાવીને શરૂઆત જ રિબારીકોવાની સર્વિસ બ્રેક કરીને 4-0ની સરસાઇ મેળવી લીધી હતી. રિબારીકોવાએ મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પણ અંતે તે એ સેટ 6-2થી હારી ગઇ હતી અને બીજા સેટમાં પણ સ્પેનિસ ખેલાડીએ તેને કોઇ તક આપી નહોતી અને અંતે તે સેટ 6-3થી હારી ગઇ હતી.