બાર્સેલોના : ફુટબોલ વિશ્વમાં સ્ટાર ખેલાડી એવા લિયોનેલ મેસ્સીનો 2018નો વિશ્વ કપ અંતિમ વિશ્વ કપ હશે. ત્યારે બાર્સેલોના અને આર્જેન્ટિનાના સુપર સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ૨૦૧૪માં ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારના ઘા હજુ ઋજાયા નથી.
વર્ષ ૨૦૧૪માં બ્રાઝિલમાં આયોજિત થયેલા તે વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મનીએ એકસ્ટ્રા ટાઇમમાં મારિયો ગોત્ઝેના એક માત્ર ગોલની મદદથી આર્જેન્ટિનાને ૧-૦થી પરાજય આપી મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળી નાંખ્યું હતું. ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સમાવેશ થનારા ૩૦ વર્ષીય મેસ્સી આજે પણ તે ફાઇનલને ભૂલી શક્યો નથી.
૨૦૧૪ની તે ફાઇનલ વિશે મેસ્સીએ કહ્યું હતું કે મને ખરેખર ખ્યાલ નથી કે તે ઘા ક્યારેય ભરાશે કે નહીં. અમારે તેનાથી આગળ વધવાનું છે. વર્લ્ડ કપની મીઠી અને કડવી યાદો આજે પણ ભૂલી શક્યો નથી. આટલં જ નહીં ત્યારબાદ આર્જેન્ટિનાની ટીમને ચિલી સામે કોપા અમેરિકાની ફાઇનલમાં પણ પરાજયનો સામનો કરવો પડયો હતો.
આ પરાજયના કારણે મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ પણ જાહેર કરી હતી. જોકે, થોડા સમય બાદ નિવૃત્તિમાંથી બહાર આવીને ઇક્વાડોર સામેના કરો યા મરોના મુકાબલામાં હેટ્રિક ફટકારી આર્જેન્ટિનાની ટીમને વર્લ્ડ કપમાં પ્રવેશ અપાવ્યો હતો. આ જીત બાદ આર્જેન્ટિનાના મેનેજર જોર્ગ સામ્પોલીએ કહ્યું હતું કે ફૂટબોલ જ મેસ્સીને વર્લ્ડ કપ આપશે.
સામ્પોલીના આ નિવેદન બાદ મેસ્સીએ જણાવ્યું હતું કે હા મેં પણ સામ્પોલીનું આ નિવેદન સાંભળ્યું હતું. મને પણ આશા છે કે ફૂટબોલ મને ચોક્કસ વર્લ્ડ કપ અપાવશે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થવું અમારા માટે અગત્યનું હતું. જો એમ ન થયું હોત તો અમારી ટીમને એક મોટો ફટકો પડયો હોત. મને પણ ખ્યાલ નથી કે જો એવું થયું હોત તો હું શું કરત અને આર્જેન્ટિનાના લોકો માટે પણ એ જ સવાલ હતો.