Maharashtra elections: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મુસ્લિમ ફેક્ટર, આટલા બધા મુસ્લિમ ઉમેદવારો છે ચૂંટણીના મેદાનમાં, અપક્ષોનો રાફડો
Maharashtra elections મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષના ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી માટે દરેક ધર્મ અને સમુદાયના લોકો મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વખતની ચૂંટણી માટે મહત્ત્વના એમ ફેક્ટર તરીકે મુસ્લિમ ઉમેદવારો અને મતદારોની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે, ત્યારે કેટલા ઉમેદવાર મેદાનમાં છે એ જાણીએ. આ વખતે મુસ્લિમ ઉમેદવારોનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે.
દસ ટકા ઉમેદવારો મુસ્લિમ
૨૮૮ મતદારક્ષેત્રની બેઠક માટે ચૂંટણી લડી રહેલા ૪,૧૩૬ ઉમેદવારમાંથી ૪૨૦ મુસ્લિમ ઉમેદવાર છે. જો આપણે કુલ ઉમેદવારોના આંકડા જોઈએ તો તે માત્ર ૧૦ ટકા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આમાંથી અડધાથી વધુ અપક્ષ ઉમેદવારો છે. મુખ્ય પક્ષોએ પ્રમાણમાં ઓછા ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે માત્ર ૯ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જો કે, અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ સાથી પક્ષ ભાજપના દ્રષ્ટિકોણથી વિપરીત પાંચ ઉમેદવારોને ટિકિટ આપી છે. અજીત પવારે નવાબ મલિક અને બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સપામાંથી ફરી વાર અબુ આઝમી પણ ચૂંટણી જંગમાં છે.
ઓવૈસીએ સૌથી વધુ ઉમેદવારને આપી ટિકિટ
Maharashtra elections અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ એ સૌથી વધુ ૧૬ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે નાની પાર્ટીઓએ ૧૫૦ ઉમેદવારો ઉભા રાખ્યા છે. ૪૨૦ મુસ્લિમ ઉમેદવારોમાંથી ૨૧૮ અપક્ષ ઉમેદવારો છે. ઉપલ્બધ માહિતી અનુસાર ૧૫૦થી વધુ મતવિસ્તારોમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી, જ્યારે લગભગ ૫૦ મતવિસ્તારોમાં માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં છે. ઘણા મતવિસ્તારોમાં આ સંખ્યા વધુ ઘટી છે, જો કે પાંચ મતવિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોનું વર્ચસ્વ છે. દરેકમાં સાત મુસ્લિમ ઉમેદવારો છે.
મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ છે ઓછું
માલેગાંવ સેન્ટ્રલ રાજ્યમાં અપવાદ છે, કારણ કે તેના તમામ ૧૩ ઉમેદવાર મુસ્લિમ છે. ઔરંગાબાદ પૂર્વમાં પણ લઘુમતી ઉમેદવારોની સરેરાશ સંખ્યા વધુ છે. આ બેઠક પર ચૂંટણી લડી રહેલા ૨૯માંથી ૧૭ મુસ્લિમ છે, જેમાંથી ત્રણ મહિલાઓ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે, કુલ ઉમેદવારોમાંથી માત્ર ૨૨ જ મુસ્લિમ છે. મતલબ કે અંદાજે ૫ ટકા ઉમેદવારો મુસ્લિમ મહિલાઓ છે. ૨૮૮ મતદારક્ષેત્રોમાંથી ૨૭૦ માં અપક્ષ કે પક્ષ સાથે જોડાયેલ એક પણ મુસ્લિમ મહિલા ઉમેદવાર નથી.