પોટરે : ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપુલે બુધવારે રાત્રે અહીં યુરોપિયન ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલના બીજા લેગમાં પોટરેને 4-1થી હરાવીને ટુર્નામેન્ટના અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું છે. લિવરપુલ 6-1ના કુલ સ્કોર સાથે આ મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું છે, જ્યાં તેનો સામનો સ્પેનિશ લીગની હાલની ચેમ્પિયન અને સ્ટાર ખેલાડીઓ ધરાવતી બાર્સિલોના સાથે થશે. લિવરપુલે પહેલા લેગમાં પોતાના ઘરઆંગણે પોટરેને 2-0થી હરાવ્યું હતું. આજની મેચમાં શરૂઆતથી જ લિવરપુલે દબાણ જાળવી રાખ્યું હતું જો કે પહેલા હાફમાં તેઓ ઍક જ ગોલ કરી શક્યા હતા.
26મી મિનીટમાં ફોરવર્ડ સાદિયો માનેઍ 18 ગજ દૂરથી ગોલ કરીને લિવરપુલને સરસાઇ અપાવી હતી. રેફરીઍ પહેલા તેને ઓફસાઇડ જાહેર કર્યો હતો, જો કે પછી વીઍઆરની મદદ લેવાતા તેમને ગોલ અપાયો હતો. બીજા હાફમાં પણ લિવરપુલે પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને 65મી મિનીટમાં મહંમદ સલાહે ગોલ કરીને ટીમની સરસાઇ વધારી હતી. પોટરે તરફથી ઍકમાત્ર ગોલ ઍડર મિલિટાઓઍ 68મી મિનીટમાં કર્યો અને લિવરપુલ તરફથી 77મી મિનીટમાં રોબર્ટ ફિર્મિનોઍ ત્રીજો ગોલ કર્યો હતો.
