દિલ્લી : નોક્સવિલે ચેલેન્જરની ફાઇનલમાં અમેરિકાના જેમ્સ કેરેટાની અને ઓસ્ટ્રેલિયાના સ્મિથ જ્હોન પેટ્રિકની જોડીને હરાવી ભારતના લિયેન્ડર પેસ અને પૂરવ રાજાની જોડી ચેમ્પિયન બની છે. એક કલાક અને ૪૯ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય જોડીએ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જોડીને ૭-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો.
પેસ અને રાજાએ ઓગસ્ટમાં એક સાથે રમવાનું નક્કી કર્યું હતું અને અહી તેઓ પ્રથમ વખત ચેમ્પિયન બન્યા હતા. આ જીત સાથે ભારતીય ખેલાડીઓએ ૭૫,૦૦૦ ડોલરની ઇનામી રકમનો ચેક મેળવ્યો હતો. ફાઇનલમાં પહોંચતા પહેલા ભારતીય જોડીએ સેમિફાઇનલમાં રૂઆન રોલોફ્સે અને જો સેલિસબરીની જોડીને ૭-૬, ૬-૩થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ સિઝનમાં લિયેન્ડર પેસે ચેલેન્જર કક્ષાન બીજા ત્રણ ટાઇટલ જીત્યા છે. આ સિઝનમાં પેસે એક પણ ફાઇનલમાં પરાજય મેળવ્યો નથી. બીજી બાજુ પેસ સાથે જોડી બનાવ્યા પહેલા પૂરવ રાજાએ દિવિજ શરણ સાથે બોર્ડેક્સ ચેલેન્જર સ્પર્ધામાં ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત તેણે ATP ૨૫૦ ચેન્નઇ ઓપનની ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું. આ મેચના. બંને સેટમાં ખેલાડીઓએ એક પછી એક ગેમ જીતી હતી જેના કારણે બંને સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા હતા. ટાઇબ્રેકરમાં ભારતીય જોડીએ ૭-૪થી જીત મેળવી હતી.