રાજયના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલીકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજરોજ સૂરતના અડાજણ વિસ્તાર સ્થિત જોગાણીનગર પાર્ટી પ્લોટના મેદાન ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’’ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
સૂરતના આંગણે દેશ-વિદેશના ૫૪ પતંગબાજોએ પતંગબાજીની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી. સાથે સૂરતના પતંગરસિયા પણ જોડાયા હતા. ખુશનુમા પ્રભાતે, સુર્યના કિરણોએ પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો અને પતંગપ્રેમી સૂરતીલાલાઓનો રંગબેરંગી મહેરામણ ઉમટયો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઉત્સવના પર્વમાં પતંગ પ્રગતિની પ્રેરણા આપે છે. પતંગ ઉત્સવ થકી દેશ-વિદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તેમજ આંતર રાષ્ટ્રીય સબંધો પણ સુમેળમર્યા બને છે. પતંગ ઉદ્યોગએ ત્રણ લાખ કુટુંબોને રોજી રોટી પુરી પાડે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવણી બાદ ગુજરાતનો ૧૦૦ કરોડનો પંતગ ઉદ્યોગ આજે ૫૫૦ કરોડે પહોચ્યો છે.
[slideshow_deploy id=’25971′]
પ્રાસંગિક પ્રવચન કરતા સૂરત મ.ન.પા.ના મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયાએ જણાવ્યું હતું કે, ભાતીગળ સંસ્કૃતિના આદાન-પ્રદાનની સાથે ભાઈચારો વધે તેમજ પ્રવાસનમાં બહોળો વધારો થાય તેવા શુભ આશયથી આંતરરાષ્ટ્રીય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શહેરના રાંદેરમાં બનતા પતંગોની દેશ-વિદેશોમાં ભારે માંગ રહે છે. આ ઉત્સવથકી રોજગારીનું સર્જન થતુ હોવાનું તેમણે કહ્યું હતું. ઘરઆંગણે યોજાયેલા ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ’’ને સૂરતીલાલાઓએ મનભરીને માણ્યો હતો.
મહોત્સવમાં થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, નેપાલ, પોલેન્ડ, ઈન્ડોનેશીયા, રશીયા, વિયેટનામ, ટયુનિસીયા, અમેરિકા, યુક્રેન, ફિલીપાઈન્સ જેવા ૧૨ દેશોના ૩૬ વિદેશી પંતગબાજોએ ભાગ લિધો હતો. જયારે ભારતના મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ સહિત પાંચ રાજયોના ૧૬ તથા સુરતના બે પતંગબાજો મળી કુલ ૫૪ જેટલા પંતગબાજોએ અવનવા કરતબો દર્શાવ્યા હતા.
આભારવિધિ સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી રાજેશભાઈ દેસાઈએ આટોપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશ મોદી, શ્રીમતિ ઝંખનાબેન પટેલ, અરવિંદ રાણા, ડે.મેયરશ્રી શંકર ચેવલી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રીમતિ રૂપલબેન શાહ, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, અધિક નિવાસી કલેકટરશ્રી સંજય વસાવા તેમજ સુરત મ.ન.પા. પદાધિકારીઓ-અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના
અધિકારીઓ,પતંગ રસીયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.