નિંગબો : ઍશિયન વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં માજી વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઇ ચાનુઍ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું પણતે નજીવા અંતરથી બ્રોન્ઝ મેડલ જીતતા રહી ગઇ હતી, જ્યારે યૂથ અોલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જેરેમી લાલરિનુંગાઍ વિક્રમી પ્રદર્શન કરીને યૂથ વર્લ્ડ અને ઍશિયન રેકોર્ડ તોડીને પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહ્યો હતો.
જેરેમીઍ ગ્રુપ બીમાં 67 કિગ્રાની કેટેગરીમાં સ્નેચમાં યૂથ, વર્લ્ડ અને ઍશિયન રેકોર્ડને તોડીને ત્રણમાંથી બે પ્રયાસોમાં 130 અને 134 કિગ્રા વજન ઉંચકયું હતું. આ પહેલાનો રેકોર્ડ પણ તેના નામે જ હતો, જેરેમીઍ ક્લિન ઍન્ડ જર્કમાં પોતાના શરીર કરતા ડબલ વજન 157 અને 163 કિગ્રા 2 સફળ પ્રયાસોમાં ઉંચક્યું હતું. તેણે કઝાકિસ્તાનના સાઇખાન તેઇસુયેવનો 161 કિગ્રાનો રેકોર્ડ તોડ્યો હતો. જેરેમીઍ કુલ 297 કિગ્રા વજન ઉંચક્યું અને તે 304 કિગ્રા વજન ઉંચકનારા પાકિસ્તાનના તાલ્હા તાલિબથી પાછળ રહ્યો હતો.
માજી ચેમ્પિયન મીરાબાઇ ચાનુઍ 49 કિગ્રાની કેટેગરીમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું પણ તે નજીવા અંતરથી બ્રોન્ઝ મેડલ જીતતા ચુકી હતી. મીરાબાઇઍ સ્નેચમાં 86 કિગ્રા વજન ઉંચક્યું હતું અને ક્લિન ઍન્ડ જર્કમાં તેણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 113 કિગ્રા વજન ઉંચક્યું હતું. તેણે કુલ 199 કિગ્રા વજન ઉઠાવ્યું હતું જે તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 192 કરતાં વધુ હતું. ચીનની ઝાંગ રોગે 199 કિગ્રા જ વજન ઉઠાવ્યું હતું પણ નવા નિયમને કારણે બ્રોન્ઝ મેડલ તેને મળ્યો હતો. નવા નિયમ અનુસાર ક્લિન ઍન્ડ જર્કમાં ઓછુ વજન ઉંચકનારને કુલ વજનમાં ઉપર ગણવામાં આવે છે.