IPL સીઝન ૨૦૧૮ની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. પ્રથમ વખત ઉદ્દઘાટન સમારંભ અને પ્રથમ મેચનું અાયોજન એક દિવસે થશે. પ્રથમ વખત અાઠના બદલે ફક્ત બે સુકાની જ ઉદ્દઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું પુનરાગમન થશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમશે. IPLમાં પ્રથમ વખત ડીઅારઅેસનો ઉપયોગ કરવામાં અાવશે. અા વખતે ટુર્નામેન્ટમાં મિડ સિઝન ટ્રાન્સફર વિન્ડોનો વિકલ્પ છે. મિડ સિઝન ટ્રાન્સફર દ્વારા ટીમ ટુર્નામેન્ટમાં અધવચ્ચે ખેલાડીઓની અાપલે કરી શકશે.
ચેન્નાઈ ટીમે આઈપીએલ હરાજી પહેલા પોતાની ૨૦૧૫ ની ટીમથી ધોની, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજાને રિટેન કર્યા હતા. ચેન્નાઈને બે વખત ચેમ્પિયન બનાવનાર ધોની હવે પોતાની ટીમની નવેસર શરૂઆત કરશે જેમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ધોનીની સામે ભારતની સીમિત ઓવરોની ટીમના વાઈસકેપ્ટન રોહિતનો પડકાર રહેશે જેમને ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું હતું.
મુંબઈની ટીમમાં ઘણા દિગ્ગજ મેચ વિજેતા ખેલાડી છે. કેપ્ટન રોહિત શર્મા આ ટીમના સૌથી મોટા મેચ વિનર છે. તેમની પાસે જસપ્રીત બુમરાહ, જેપી ડયુમિની, મિચેલ મેકલેનઘન, મુસ્તાફીઝુર રહેમાન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કેરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ જેવા શાનદાર ખેલાડી રહેલા છે.
બીજી તરફ ચેન્નાઈની ટીમને જોઈએ તો કેપ્ટન ધોનીની સાથે-સાથે ડાબા હાથના બેટ્સમેન સુરેશ રૈના અને ઓલરાઉન્ડર જાડેજાની વાપસીએ ટીમને મજબૂત કરી છે. વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવો આ ટીમના સૌથી મોટા માસ્ટર સ્ટોક છે.