પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને ભગવાન શિવના સ્વરૂપમાં દર્શાવવાના મામલે વિવાદ સર્જાયો છે.પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીથી લઈને સડક સુધી લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના હિંદુઓએ ઈમરાન ખાનને ભગવાન શિવના સ્વરૂપમાં દર્શાવવાના મામલાને પોતાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવીને કાર્યવાહીની માગણી કરી છે.
ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવાથી અને ખાસ તો ભગવાન શિવ સાથે સરખામણી કરવામાં અાવતા કેટલાક ભક્તોએ નારાજગી વ્યક્ત કરી છે. ઈમરાન ખાનની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરના મામલાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ ગંભીરતાથી લીધી છે. આ મામલાની તપાસ પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે.
આ મામલામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકર્તાઓનો હાથ સામે આવી રહ્યો હોવાના પણ મીડિયા અહેવાલ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રમેશ લાલે કહ્યુ છે કે ઈમરાન ખાનને શિવજીના સ્વરૂપમાં રજૂ કરવાનો મામલો ગંભીર છે. આ મામલે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સ્પીકરે ગૃહ પ્રધાન તલાલ ચૌધરી પાસે રિપોર્ટ માંગ્યો છે.