વાકો : જાપાનના વાકો શહેરમાં ચાલી રહેલી ૧૦મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સ્ટાર શૂટર્સ જીતુ રાય અને હિના સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પુરુષ વ્યક્તિગત સ્પર્ધામાં ૨૪ શોટની ફાઇનલમાં જીતુએ ૨૧૯.૬ના સ્કોર સાથે શહઝારને પાછળ રાખી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હિના સિંધુએ વ્યક્તિગત સ્પર્ધામાં ૨૧૭.૨ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ બંને શૂટર્સ ઉપરાંત જુનિયર ૧૦ મીટર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં અનમોલ જૈને પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત અનમોલે ગૌરવ રાણા અને અભિષેક આર્યની સાથે મળીને સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝની મદદથી કુલ ૧૭ મેડલ જીત્યા છે.
મેન્સની ૧૦ મીટર એર પિસ્તોલમાં શહઝાર રિઝવીએ ૫૮૩ના સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. જ્યારે જીતુએ ૫૭૭ના સ્કોર સાથે પાંચમો ક્રમ મેળવ્યો હતો. જેના કારણે આઠ શૂટર્સની ફાઇનલમાં બે ભારતીયોએ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત અનુભવી ઓમકારસિંહે ૫૭૫ના સ્કોર સાથે ૧૦મો ક્રમાંક મેળવ્યો હતો. ઓમકારના આ પ્રદર્શનને કારણે ભારતે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
