પદ્માવત ફિલ્મની રજૂઆતને લઇને વિરોધ વચ્ચે રાજયના કેબીનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પદ્માવત ફિલ્મને લઇ રાજય સરકાર લોકોની લાગણીની સાથે છે. ઇતિહાસ સાથે છેડછાડ કરી તેને વિકૃતતારૂપે રજૂ કરવાનું કોઇ સમાજ સાંખી ના લે. અગાઉ પણ સરકારે પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહી કરવા બાબતે બે વખત જાહેરનામું જારી કર્યું હતું પરંતુ બાદમાં સુપ્રીમકોર્ટે ફિલ્મના રિલીઝની લીલીઝંડી આપી હતી. જો કે, તેમછતાં ગુજરાતના જુદા જુદા થિયેટરમાલિકોએ સ્વેચ્છાએ આ પદ્માવત ફિલ્મ નહી દર્શાવવાની ઇચ્છા વ્યકત કરી છે અને તેથી હવે ફિલ્મની રિલીઝને લઇ કોઇ પ્રશ્ન જ રહેતો નથી. તેથી ગુજરાતમાં બંધના એલાનનો મુદ્દો રહેતો નથી. આજની બેઠકમાં તમામ સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓના આગેવાનો, પ્રતિનિધિઓએ આવતીકાલના બંધના એલાનમાં ગુજરાત નહી જોડાય તેવી ખાતરી આપી છે અને તેથી હવે ગુજરાત રાજયમાં આવતીકાલે બંધનુ એલાન નહી રહે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત એ શાંતિ પ્રિય રાજય છે અને અહીંની જનતા શાંતિપ્રિય જનતા છે, તેથી ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાય તે સૌથી અગત્યનું છે. રાજય સરકારે પણ સુરક્ષા અને સલામતીના બનતા તમામ પગલાં ભર્યા છે. દરમ્યાન મોડી સાંજે ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજયના ડીજીપી પ્રમોદકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજયભરમાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇ કોઇ અનિચ્છનીય બનાવો ના બને તે માટે વધારાની એસઆરપી કંપની, આરએએફ, દસ હજારથી વધુ હોમગાર્ડ જવાનો સહિતના સુરક્ષા કાફલામાં નોંધનીય વધારો કરવામાં આવ્યો છે. તો સાથે સાથે ૯૦૦ જેટલા વધારાના વાહનો પેટ્રોલીંગ અને વીડિયોગ્રાફી માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર અને પોલીસતંત્ર તમામપરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.