દોહા : સોમવારે અહીં ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેની કોઇ ગણતરી નહોતી કરાઇ તે ગોમતી મારુમુથુઍ 800 મીટરની મહિલાઓની રેસમાં દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવતા ભારતે બીજા દિવસે પાંચ મેડલનો ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત તેજીન્દર સિંહ તૂરે શોટ પૂટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોમતીઍ અંગત શ્રેષ્ઠ 2 મિનીટ 2.7 સેકન્ડનો સમય લઇને ભારત માટે મેડલ જીત્યો ત્યારે ઘણાંને નવાઇ લાગી હતી. ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે મહિલાઓની 400 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સોમવારે ભારતને પ્રથમ મેડલ સરિતા ગાયકવાડે અપાવ્યો હતો. તે 400 મીટરની વિધ્ન દોડમાં 57.22 સેકન્ડનો સમય લઇને ત્રીજા ક્રમે આવી હતી. આ રેસમાં વિયેતનામની કુઆચ થે લેને 56.10 સેકન્ડ સાથે ગોલ્ડ જ્યારે બેહરીનની અમિનાત જમાલે 56.39 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આજના ચાર મેડલ સાથે ભારતે 1 ગોલ્ડ 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા છે. શિવપાલ સિંહે જેવલિન થ્રોમાં સિલ્વર જીત્યો તો પુરૂષોની 400 મીટરની રેસમાં જાબીર મદારીઍ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.