લિફ્ટમાં ફસાઈ જવાને કારણે નાના બાળકોના મોતની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. જેમાં આજ રોજ સુરતમાં નવ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઇ જતાં શ્વાસ રૂંધાતા મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણાની વ્રજભૂમિ ટાઉનશિપમાં ધોરણ.4માં અભ્યાસ કરતા બાળકનું રમતારમતા લિફ્ટમાં ફસાઇ જતાં કરુણ મોત નીપજ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સરથાણામાં વ્રજચોકમાં વ્રજભૂમિ ટાઉનશિપમાં રહેતા નવ વર્ષના કૌશલ વિમલભાઇ રાજ્યગુરૂ વરાછાની પી.પી.સવાણી શાળામાં ધો.4માં અભ્યાસ કરતો હતો. જે સોમવારે સવા નવ વાગ્યાના અરસામાં કૌશલ સોસાયટીની લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દબાઇ ગયેલી હાલતમાં બેભાન મળ્યો હતો. સ્થાનિક છોકારાઓએ જાણ કરતા પરિવારજનો દોડતા થયા હતા.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પેટ અને છાતીનો ભાગ દબાઇ જતાં બાળકની શ્વાસ નળી ખોરાક અટકી ગયો હતો. જેથી શ્વાસ રૂંધાતા મોત થયું હોવાનું લાગે છે.
કૌશલના પિતાનું દોઢ વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું. કૌશલ જ્યારે લિફટમાં ફસાયો ત્યારે કોઈએ લિફટનું બટન દબાવી દીધું હતું. પિતા અને પુત્રના અવસાન બાદ પરિવારમાં માતા અને બહેન જ રહ્યા છે.
ડબલ ડોર ધરાવતી જૂની લિફટમાં કૌશલ ફસાઈ ગયો હતો. કૌશલ ફસાઈ ગયા પાછળ એવું કહેવાય છે કે તે ફસાયો ત્યારે કોઈએ લિફટનું બટન દબાવી દીધું હતું અને લિફટ ચાલુ થઈ ગઈ હતી. કૌશલની ચીસાચીસ સાંભળીની ફ્લેટધારકો દોડી આવ્યા હતા અને તેને બચાવવાની કોશીશ કરી હતી પરંતુ તેને બચાવી શકાયો ન હતો.