ગ્રામીણ ક્ષેત્રમાં રહેલા યુવાનોને આકર્ષિત કરવા માટેની યોજના : ફ્રી ડેટાની યોજના પર વિચારણા
નવી દિલ્હી,તા. ૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય ચૂંટણી પહેલા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનોને આકર્ષિત કરવા માટે મોટો દાવ રમવા માટે તૈયાર છે. મોદી સરકાર લોકોને ફ્રી ડેટા આપવાની યોજના બનાવી રહી છે. આ યોજનાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. સૂત્રોના કહેવા મુજબ ટેલિકોમ મંત્રાલય હાલમાં આના પર કામ કરી રહ્યુ છે.
આશરે એક વર્ષની લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ હવે યોજના નિર્ણાયક તબક્કામાં પહોંચી હોવાના હેવાલ મળી રહ્યા છે. સરકાર આ યોજનાને વર્ષ ૨૦૧૮ના બજેટમાં રજૂ કરી શકે છે. જે મોદી સરકારનુ વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલાનુ અંતિમ પૂર્ણ બજેટ રહેનાર છે. સરકાર આ પ્રયાસને નોટબંધી બાદ ડિજિટલ લેવડદેવડ તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે.
સૂત્રોના કહેવા મુજબ યુનિવર્સલ ઓબ્લિગેશન ફંડથી આ સ્કીમને આગળ વધારી શકાય છે. એમ કહેવામાં આવે છે કે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં નેટ કનેકટિવિટીને વધારી દેવાના હેતુ સાથે આ યોજનાને રજૂ કરનાર છે. આ હેઠળ એવી તમામ જરૃરી વેબસાઇટ ખુલી જશે જે જરૃરી સેવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ પ્રોજેક્ટને અંતિમ રૃપ આપવામાં લાગેલા અધિકારીઓના કહેવા મુજબ હાલમાં તેના કેટલાક પાસા પર ચર્ચા ચાલી રહી છે. યુએસઓ ફંડને લઇને લોકોને વધારે માહિતી નથી. આ એક એવા ફંડ તરીકે છે જેમાં તમામ ટેલિકોમ કંપનીઓને દર વર્ષે પોતાના લાભતી એક હિસ્સો સરકારની પાસે બનેલા ફંડમાં જમા કરવાની જરૃર હોય છે. વર્ષ ૨૦૦૨થી લઇને ૨૦૧૬ સુધી તેમાં ૬૮ હજાર કરોડ રૃપિયા જમા થઇ ચુક્યા છે. જે પૈકી માત્ર ૨૫ હજાર કરોડ રૃપિયા જ ખર્ચ કરી શકાયા છે.