Dang: પ્રાકૃતિક ખેતી અપનાવી આવક બમણી કરો
- ડાંગ જિલ્લાના માસ્ટર ટ્રેનરે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીમાં આવક બમણી કરી
Dang: પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે ડાંગર, મરચાં, જુવાર, જેવા પાકોનું ઉત્પાદન કરી તેના મૂલ્યવર્ધનથી આવક બમણી થઈ – તંદુરસ્ત જમીન અને શરીર સ્વાસ્થય માટે પ્રાકૃતિક કૃષિ અંત્યત જરૂરી – યશંવતભાઇ સહારે – ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન થી વર્ષ ૨૦૧૯-૨૦થી સમગ્ર ગુજરાતમાં પાકૃતિક કૃષિનો પ્રારંભ થયો હતો.
ડાંગ જિલ્લાને સંપૂણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
Dang જિલ્લામાં આજે અનેક ખેડુતો પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણારૂપ બન્યા છે. ડાંગ જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવા માટે જિલ્લાના માસ્ટર ટ્રેનરો પાંચ ગ્રામ પંચાયત દિઠ તાલીમો આપી રહ્યા છે. ડાંગ જિલ્લાના ભુપારાણી ગામના પ્રાકૃતિક કૃષિના સફળ ખેડુત તેમજ માસ્ટર ટ્રેનર યશંવતભાઇ સહારે જેઓ પોતાના ખેતરમાં મોડેલ ફાર્મ વિકસીત કરી અન્ય ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. ડાંગ જિલ્લાના પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે યશંવતભાઇ સહારે દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો નિર્ધાર કર્યો હતો.
સૌ પ્રથમ તેઓએ આત્મા પ્રોજેક્ટમાં જોડાઇ આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજીત પ્રેરણા પ્રવાસ, જુદીજુદી તાલીમ લઈ પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને પ્રેરણા લઈ જાતે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂવાત કરી હતી. યશંવતભાઇ સહારે જણાવે છે કે, બાપ દાદાઓના સમય થી તેઓના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવતી હતી. પરંતુ હાઇબ્રીડ ડાંગર બિયારણો થી ખેતરના પાકમાં ઉત્પાદન વધારે મળતાં તેઓએ થોડાક સમય રાસાયણિક અપનાવી પરંતુ જમીનને ઝેરી દવાઓની આડઅસરથી તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત બનાવવા તેમણે પ્રાકૃતિક ખેતીનો અભીગમ અપનાવ્યો હતો.
યશંવતભાઇ સહારેએ પોતાની ૨ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી
છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કર્યું છે. પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબરના ઉપયોગ, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદાન સહિતના પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભના સમન્વય થકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને સારા પરિણામો મેળવી રહ્યાં છે. તેઓ પોતાના ખેતરમાં ડાંગર, જુવાર, રાગી, મરચાં, ડુંગળી, લસણ, ચોળી, તુવેર, મકાઈ તેમજ ફળાઉંમાં સિતાફળ, આંબા, ચિકુ, ફણસ, કેળાં, પપૈયા, શેત્રુજ, જામફળ તેમજ ઔષધિય પાકોમાં મુશળી, દેશી કંદ જેવા અનેક પાકોની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.
પ્રાકૃતિક ખેતી કરતાં યશંવતભાઇ સહારેએ બાગાયત વિભાગમાંથી લાભ લઇ મરચાંની ખેતી કરીની શરૂઆત કરી છે. મરચાંની ખેતીમાં તેઓએ ટપક ચિંચાઇ પધ્ધતિ અને મલ્ચિંગ પધ્ધતિનો ઉપયોગ કર્યો છે. જેમાં બાયો કલ્ચરનો ઉપયોગ શરૂ કર્યો, જમીનમાં ‘‘જીવામૃત’’ બનાવી પાક પર છંટકાવ કર્યો આ પગલા લેવાથી તેમની જમીન જીવીત થઇ છે. તેઓ ઘન જીવામૃત, દશ પરની અર્ક અને જેવીક ખાતરનો ઉપયોગ કરે છે. જેથી ખેતરની જમીનમાં અળસિયા આવ્યા જમીન પોચી થઈ અને જમીનની નિતાર શક્તિ વધી લાંબા સમય સુધી જમીનમાં ભેજનો સંગ્રહ જોવા મળ્યો અને પાકના ગુણવત્તામાં વઘારો થયો છે.
આ ઉપરાંત તેઓ દેશી ગાય આધારિત ખેતી કરે છે.
દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત, ઘન જીવામૃતના ઉપયોગ થકી ખેડૂતના જમીનની ફળદ્રુપતા વધી છે, તેમજ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશબંધ કરતા ખર્ચ ઘટ્યો છે. જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધી વધવાની સાથે ઉત્પાદન અને વેચાણમાં પણ વધારો નોંધાયો છે. સંપૂર્ણ ગુણવત્તાલક્ષી અને પોષણક્ષમ ઉત્પાદનના કારણે શ્રી યશંવતભાઇ સહારે સારી આવક પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આત્મા પ્રોજેક્ટના માધ્યમથી ખેડૂતોને કૃષિ વિષયક તાલીમ, નિદર્શન, કૃષિ મેળાનું આયોજન, ખેડૂત ગોષ્ઠિ સહિત ખેડૂતોની જરૂરિયાતો મુજબ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. “પ્રાકૃતિક ખેતી માટેના પાંચ આધારસ્તંભ જેવા કે, જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે. આ બનાવવા અને તેના છંટકાવ અંગેની પણ ડાંગ જિલ્લાના ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. –