અમદાવાદઃ ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના વાયરસે માજા મુકી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 810 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે.
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4422 એક્ટિવ કેસ છે. તો હાલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.82 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4422 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 217 કેસ અને ગ્રામ્યમાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 163 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 95 કેસ, જ્યારે ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 61 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,00,635 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.