Corona entered india again: 5 વર્ષ પછી કોરોનાની વાપસી! ભારતમાં ફરીથી પોઝિટિવ કેસ, એક મોતથી ચકચાર
Corona entered india again: કોવિડ-૧૯ની મહામારીને લગભગ પાંચ વર્ષ થઈ ગયા બાદ, ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસનો સંક્રમણ દેખાવા લાગ્યો છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોરોનાના બે નવા કેસ નોંધાયા છે. એમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બીજો દર્દી હજુ સારવાર હેઠળ છે.
આ સમાચાર સામે આવતા જ આરોગ્ય તંત્રએ ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, કોરોનાની પહેલી લહેર દરમિયાન દેશભરમાં 5 લાખથી વધુ લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 70 લાખને પાર ગયો હતો. વિશ્વ આરોગ્ય સંગઠને 2019થી 2021 દરમિયાન કોરોના વાયરસને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો હતો.
અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલી મહિલા કિડનીના રોગથી પીડાતી હતી અને સારવાર દરમિયાન કોરોનાથી વધુ અસર પામી. જ્યારે બીજો કેસ દેવાસ જિલ્લામાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવક કોરોના પોઝિટિવ મળ્યો છે. હાલ તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે અને તેની નજીકના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોના પણ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે.
આ નવા કેસો સામે આવતા, આરોગ્ય વિભાગ ફરીથી સજાગ બન્યું છે અને લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.