કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ વધુ એક સિદ્ધી મેળવી છે. જેમાં મહિલા અને પુરુષ શૂટરોએ શાનદાર પ્રદર્શન કરતાં મંગળવારે બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત પાંચ મેડલ મેળવ્યા હતા. મહિલા વિભાગની ૧૦ મીટર એર રાઇફલની ફાઇનલમાં પૂજા ઘાટકરે ૨૪૯.૮નો સ્કોર કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ભારતની જ અંજુમ મોદગીલે ૨૪૮.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
સિંગાપુરની ર્માટીના લિન્ડસે વેલોસોએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ભારતની અન્ય એક શૂટર મેઘના સજ્જનાર ૧૮૩.૮ના સ્કોર સાથે પાંચમા સ્થાને રહી હતી. સજ્જાર ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૪૧૬.૬ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી પરંતુ ફાઇનલમાં લય જાળવી શકી નહોતી. આ ઉપરાંત મહિલા સ્કિટ સ્પર્ધામાં ભારતની રશ્મિ રાઠોડે છ મહિલાઓ વચ્ચેની ફાઇનલમાં ૬૫ના સ્કોર સાથે ક્વોલિફાઈ કર્યું હતું પરંતુ તે ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. ભારતની અન્ય મહિલા શૂટર મહેશ્વરી ચૌહાણ અને સાનિયા શેખ બંને ફાઇનલમાં ક્વોલિફાઈ થઈ શકી નહોતી.
પુરુષ વિભાગની ૧૦ મીટર એર પિસ્ટલમાં ભારતીય ખેલાડીઓએ ક્લીનસ્વીપ કરતાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા જેમાં શહઝારે ગોલ્ડ, ઓમકારસિંહે સિલ્વર અને જીતુ રાયે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.રિઝવી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પણ ૫૮૧ના સ્કોર સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. ઓમકારસિંહ અને જીતુ રાયની ક્વોલિફાઇંગમાં બે રાઉન્ડ ખરાબ રહ્યા હતા પરંતુ તેઓએ વાપસી કરતાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. શહઝાર રિઝવીએ ફાઇનલમાં ૨૪૦.૭ની સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓમકારસિંહે ૨૩૬ના સ્કોર સાથે સિલ્વર અને જીતુ રાયે ૨૧૪.૧ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.