ભારે ધમધમતા સગરામપુરા વિસ્તારમાં પ્રખ્યાત ગોમટાવાલા ફેમિલીના પાંચ વર્ષના બાળક રાશીદ ગોમટાવાળાને અજાણ્યા યુવાન દ્વારા ધરેથી ઉપાડી જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસની આ ઘટનાને લઈ સગરામપુરામાં ભારે ઉચાટ અને ચિંતાનો માહોલ જન્મી ગયો છે. મોડી રાત્રે બાળક રાશીદનાં પિતા સાજીદ ગોમટાવાલાએ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગત એવી છે કે રાશીદના પિતા સગરામપુરા તલાવડી વિસ્તારમાં ખાણી-પીણી અને ચાનો સ્ટોલ ચલાવે છે. સાજીદના મર્હુમ પિતા અફઝલ ગોમટાવાલા સુરત શહેર કોંગ્રેસના આગેવાન હતા અને તેમની સગરામપુરા વિસ્તારમાં સારી એવી શાખ હતી.
ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની અરસામાં સાજીની પત્ની માંદી હોવાથી દવા લઈને ઘરે આવી હતી. તે સમય દરમિયાન અજાણ્યો યુવાન સાજીદના ઘરે આવ્યો હતો અને સાજીદના મોટા પુત્ર શાહઝેબનો મિત્ર હોવાનું જણાવી નાનકડા રાશીદને મોટો ભાઈ શાહઝેબ બોલાવે છે એવું કહી હાથ પકડીને લઈ ગયો હતો.
અડધા-પોણા કલાક સુધી રાશીદનો પતો લાગ્યો ન હતો. તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. મહોલ્લાવાસીઓ અને પાડોશીઓએ દોડધામ કરી પરંતુ કશું પણ હાથ લાગ્યું ન હતું. આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવામાં આવતા રાશીદને અજાણ્યો યુવાન ઉપાડી ગયો હોવાની હકીકત ખૂલતાં બધા ચોંકી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં એક યુવાન રિક્ષામાંથ ઉતરીને આવે છે અને સીધો ગોમટાવાલાના ઘર ભણી જાય છે અને જ્યારે પાછો ફરે છે ત્યારે સાજીદના પુત્ર રાશીદને સાથે લઈ જઈ રહ્યો હોવાનું દેખાય છે. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જો કરી તપાસ શરૂ કરી છે.