પુણેઃ આઈએસએલના ચોથા રાઉન્ડમાં પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી ચેન્નાઈયન અને પુણે એફસી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈયનનો 1-0થી વિજય થયો હતો. હોમ ટીમ પુણે મેચ દરમિયાન ઘણી તકો ઉભી કરી હતી, પરંતુ તે ગોલ કરવામાં સફળ ન થઈ. પ્રથમ હાફમાં બંને ટીમના ગોલકીપર્સની મેચ દરમિયાન અમુકવાર પરીક્ષા થઈ હતી જેમાં તેઓ સફળ પણ રહ્યાં હતા. બીજા હાફમાં ચેન્નાઈયનના હેનરિક સેરેનોએ ગોલ કર્યો હતો, જે મહેમાન ટીમ માટે વિજયી ગોલ સાબિત થયો હતો.

ચેન્નાઈ સામે પુણે 7 માંથી એકપણ મેચ જીતી નથી…
ચેન્નાઈયન ટીમ તરફથી 82મી મિનિટે હેનરિક સેરેનોએ જેમી ગેવિલાનની મદદથી ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચે આ મેચ સહિત 7 મુકાબલા થયા છે, જેમાંથી ચેન્નાઈએ 5 વખત વિજય મેળવ્યો છે, જ્યારે કે 3 મેચ ડ્રો રહી હતી. આ સાથે જ પુણેનો પ્રથમ સિઝનથી ચોથી સિઝનની આ મેચ સુધી ચેન્નાઈયન એફસી સામેના વિજયના દુકાળનો અંત આવી શક્યો નથી. ઘરઆંગણે ચેન્નાઈયન એફસી સામે રમી રહેલી પુણે હોમ ક્રાઉડ તરફથી મળી રહેલા સમર્થન અને તેથા થકી થતા ઉત્સાહને સફળતામાં ફેરવી શકી નહોતી. ચેન્નાઈ એફસી વિજયના 3 પોઈન્ટ મેળવવા માટે ઘણી મહેનત કરી હતી અને તેના ફળ સ્વરૂપે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. આ મેચ માટે પુણેની ટીમને ફેવરિટ માનવામાં આવી રહી હતી અને તેમના ખેલાડીઓએ અત્યારસુધીની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જોકે ચેન્નાઈયન એફસી સામે તેઓ એક ટીમ તરીકે યોગ્ય પ્રદર્શન ન કરી શક્તા પરિણામ ભોગવવું પડ્યું છે.