સુરતમાં અંધશ્રદ્ધાની અજીબોગરીબ ઘટના આવી સામે આવી છે. પહેલા માળેથી પટકાયેલા બાળકને જીવી જવાની આશાએ મંદિરે લઈ જવામાં આવ્યો હતો.સુરતના અંબાજી મંદિર લઈ જઈ બાળક જીવિત થાય તેની વિધિ કરવામાં આવી હતી. પણ બાળક જીવિત ન થતા ફરી દફન વિધિ કરવા ઘરે લઈ જવામાં આવ્યો હતો. દફન વિધિ માટે મરણ દાખલાની જરૂર હોવાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મામલો બહાર આવ્યો હતો.
સુરત પાંડેસરામાં રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા બે વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જોકે મૃત બાળક ફરીથી જીવિત થવાની આશા સાથે પરિવાર બાળકના મૃતદેહને બળજબરીથી પીએમ રુમમાંથી સાથે લઈ ગયો હતો અને મંદિરે માતાજીના ચરણોમાં મુકી દીધો હતો.
જોકે લાંબા સમય બાદ પણ બાળક જીવિત ન થતા અંતિમ વિધિ માટે સર્ટીફિકેટની જરૂર પડતાં સિવિલ હોસ્પિટલમાં પરત ફર્યા હતા. પાંડેસરાની ન્યૂ હરિધામ સોસાયટી ખાતે રહેતા અને મૂળ યુપીના રહેવાસી જીતેન્દ્ર નાયક સાડીનો ધંધો કરે છે. તેમનો મોટો પુત્ર પિયુષ મંગળવારે બપોરે રમતો હતોે. દરમિયાન રમતા રમતા પહેલાં માળેથી બારીમાંથી અકસ્માતે તે નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સજીર્કલ વોર્ડમાં સારવાર દરમિયાન મંગળવારે મળસ્કે ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પિયુષને તબીબે મૃત જાહેર કરતાં તેના મૃતદેહને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કર્યા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જતા હતા.
દરમિયાન પરિવાર તેના પુન:જીવિત થવાની આશા સાથે તેનો મૃતદેહ બળજબરી પોતાની સાથે લઈ ગયા હતા અને ઘર નજીક અંબાજી માતાના મંદિરે પહોંચી બાળકને માતાજીના ચરણોમાં મૂકી દીધું હતું. જોકે મોડે સુધી બાળકના મૃતદેહમાં કોઈ હલનચલન ન થતાં આખરે પરિવારે હાર માની લીધી હતી. બાળકનું મોત થયાનું માનીલીધા બાદ અંતિમ વિધિ પરિવાર સવારે સિવિલમાં ડેથ સર્ટીફિકેટ લેવા પહોંચ્યું હતું.