છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને દુનિયાના અનેક દેશો પરંપરાગત ઉર્જાસ્ત્રોતનો ઉપયોગ વધારવા માટે જોર આપી રહ્યાં છે. આ જ યાદીમાં ઈલેકટ્રીક વ્હિકલ્સનું પણ નામ જોડાયું હતુ. જોકે ગેસ આધારિત વાહનો અને અન્ય એકમો ચલાવવા પર સરકાર વધુ ધ્યાન આપી રહી છે.
ગુરૂવારે સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે આગામી 12 વર્ષોમાં સીએનજી પમ્પિંગ સ્ટેશનોની સંખ્યા 10,000ને પાર લઈ જવાનો લક્ષ્યાંક છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતભરમાં માત્ર1424 સ્ટેશનો જ છે,જે 2030 સુધીમાં સાત ગણા કરવાની સરકારની યોજના છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ(SIAM)ની વાર્ષિક બેઠકમાં ઓઈલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતુ કે સરકારનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દેશભરમાં 10 હજાર સીએનજી ફિલિંગ સ્ટેશન શરૂ કરવાનો ઉદ્દેશ્ય છે, જેને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરવાનો લક્ષ્યાંક પણ છે.
હાલમાં દેશમાં 1424 સ્ટેશનો થકી 30 લાખ વ્હિકલ્સ જેમાં ત્રિચક્રી, ટેક્સી અને કોમર્શિયલ કારોને સેવા આપવામાં આવે છે. જોકે આ કુલ સ્ટેશનોમાંથી મુખ્યત્વે બધા જ દિલ્હી, મુંબઈ અને ગુજરાતના મુખ્ય શહેરો અથવા વિસ્તારો પુરતા જ સીમિત છે. અન્ય રાજ્યોમાં સીએનજી સ્ટેશનો ન હોવાથી કારના વેચાણમાં પણ ખાસ વૃદ્ધિ નથી જોવા મળતી. 82% સીએનજી પમ્પ માત્ર આ ત્રણ રાજ્યોમાં જ છે.
મારૂતિ, હ્યુંડાઈ સહિતના કાર ઉત્પાદકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે શક્ય તેટલી ઝડપે આ યોજનાને પાર પડાશે તો ઓટો સેક્ટરમાં મોટી ક્રાંતિ આવી શકે છે.
એક અંદાજ મુજબ ઈંધણ તરીકે વપરાતા પેટ્રોલ અને ડીઝલ કરતા સીએનજી 20થી 30% ઓછો કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે, જેથી પ્રદૂષણ પણ ઓછું ફેલાય છે. મુખ્ય વાત એ પણ છે કે પેટ્રોલ-ડીઝલ કરતા સીએનજી લગભગ અડધા ભાવે મળે છે. પેટ્રોલનો ભાવ 87ના નવા ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે, જ્યારે સામે પક્ષે સીએનજી માત્ર 47 રૂપિયાના ભાવે મળે છે.
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી તેના પોર્ટફોલિયોમાંના 7 પ્રોડકટ્સને સીએનજી વર્ઝનમાં લોન્ચ કરશે, જેમાં , Dzire, Eeco, Alto, Celerio, Wagon R અને Carryનો સમવેશ થાય છે.
સીએનજી પમ્પોની સાથે 2030 સુધીમાં દેશમાં કુલ 1.7 કરોડ સીએનજી વાહનો હોવાનો અંદાજ પણ મુકવામાં આવ્યો છે. એક રીપોર્ટ અનુસાર દેશમાં પ્રત્યેક વાહનમાં વર્ષે 750 લિટર પેટ્રોલનો ઉપયોગ થાય છે. સીએનજીનું દેશમાં નોંધપાત્ર ઉત્પાદન થાય છે અને સીએનજી વાહનો અને ગેસની ઉપલ્બધ્ધતાને કારણે ભારતની આર્થિક સ્થિતિને વધુ હાનિ કરતું ક્રૂડ બિલ પર મોટા પ્રમાણમાં ઘટી શકે છે.