નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તા સંભાળનાર મોદી સરકાર દ્વારા જીએસટી અમલમાં લાવ્યા બાદ વેપારી સંગઠનોમાં ક્યાંને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ સરકારે જીએસટીમાં સુધારા વધારા કર્યા હતા. જોકે, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ જીએસટીના મામલે આવતીકાલે 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધની જાહેરાત કરી છે. આ બંધના સમર્થનમાં, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધને ટેકો આપતા ચક્કા જામ કરવાની જાહેરાત કરી છે.
આ જાહેરાત CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સાથે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ સિંઘલે સંયુક્ત રીતે કરી છે. ભરતીયા અને ખંડેલવાલે જીએસટી કાઉન્સિલ પર પોતાના ફાયદા માટે જીએસટીને જટિલ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ કર પ્રણાલી છે.
જીએસટીના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરાઈ છે. તમામ રાજ્ય સરકારો તેમના હિતો માટે વધુ ચિંતિત છે અને તેઓ ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા અંગે ચિંતિત નથી. વેપાર કરવાને બદલે દેશના વેપારીઓ આખો દિવસ જીએસટી ટેક્સ પાછળ વિતાવે છે, જે દેશના અર્થતંત્રની વિરુદ્ધ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં જીએસટીના હાલના સ્વરૂપ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.
ચાર વર્ષમાં જીએસટીમાં 937 કરતા વધુ વખત ફેરફાર થયા પછી જીએસટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. વારંવાર કોલ કરવા છતાં જીએસટી કાઉન્સિલ દ્વારા CAIT દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, તેથી વેપારીઓએ તેમના મુદ્દાઓ માટે ભારત વેપાર બંધની ઘોષણા કરી છે.