કોઈ ગ્રાહકને નવું કનેક્શન લેવું હોય કે બિલની ડ્યુ ડેટ જતી રહી હોય તો ભારે કડકાઈ પૂર્વક વર્તીને કનેક્શન કાપી નાંખનાર BSNL ગ્રાહકોને ચૂકવવાના થતા લાખો રૂપિયામાં ધાંધિયા કરી રહી હોવાની વિગતો બહાર આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી BSNLના લેન્ડ લાઈન ગ્રાહકો પોતાના કનેક્શનને ઝડપથી બંધ કરાવી રહ્યા છે ત્યારે આવા ગ્રાહકોને પરત ચુકવવાની થતી રકમ લાખો રૂપિયામાં થાય છે. BSNL દ્વારા છેલ્લા નવ નવ મહિનાથી આવા ગ્રાહકોને ચુકવવાની થતી રકમ મળતી નથી.
એટલુંજ નહીં પરંતુ આવા ગ્રાહકોને કોન્ટેક્ટ નંબર લીધા હોય તેમ છતાં ભારત સરકારની માલિકીની ગણાતી આ કંપની દ્વારા તેમને તેમના નાણાં ક્યારે ચુકવશે તેની પણ જાણ કરવામાં આવતી નથી.
સેંકડો ગ્રાહકો પ્રતિદિન ધક્કા ખાતા હોવા છતાં તંત્ર દ્વારા તેમને કોઈ વ્યવસ્થિત કે ચોક્કસ જવાબ પણ આપવામાં આવતો નથી કંટાળેલા કેટલાક ગ્રાહકોને હવે કન્ઝયુમર કોર્ટમાં દાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.