નવી દિલ્હી : એનબીએ એકેડમી સાથે જોડાયેલા ભારતના 7 બાસ્કેટબોલ ખેલાડીઓને અમેરિકામાં થનારા નેક્સ્ટ જનરેશન શોકેસ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં દેશનો પ્રતિભાશાળી ઉભરતો ખેલાડી અને એનબીએ ગ્લોબલ એકેડમીમાં સામેલ પંજાબનો પ્રિન્સપાલ સિંહનો પણ સમાવેશ થાય છે.
એનબીએ દ્વારા 16 દેશોમાં આવેલી પોતાની એકેડમીઓમાંથી 48 ખેલાડીઓને પસંદગી આ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. તેમાં ગ્રેટર નોઇડામાં આવેલી એનબીએ એકેડમીમાં સામેલ રુડકીના વિવેક ચૌહાણ, એનબીએ ગ્લોબલ એકેડમીના પ્રિન્સપાલ સિંહ, આશય વર્મા ઉપરાંત ગ્રેટર નોઇડા એકેડમીની એન મેરી જકરિયા, સુનિશ્કા કાર્તિક, પંજાબની હરસિમરન કૌર અને સિયા દેવધરનો પણ સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને મિનિયાપોલિસ અને ટેમ્પામાં યોજાનારી મેન્સ અને વુમેન્સ ફાઇનલ દરમિયાન પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.