નિંગબો (ચીન) : શનિવારથી અહીં શરૂ થઇ રહેલી ઍશિયન વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પડકારની આગેવાની સંભાળીને જોરદાર પ્રદર્શન દ્વારા ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન કરવા માટેની પોતાની સંભાવના મજબૂત કરવા પર મીરાબાઇ ચાનુની નજર રહેશે. ઇન્ટરનેશનલ વેઇટલિફટીંગ ફેડરેશન (આઇડબલ્યુઍફ) દ્વારા વેઇટ કેટેગરીમાં કરેલા ફેરફારના કારણે 48ને સ્થાને 49 કિગ્રાની કેટેગરીમાં ભાગ લઇ રહેલી મીરાબાઇ ભારત વતી મેડલના પ્રબળ દાવેદારોમાંથી ઍક છે. તેણે પીઠની ઇજાને કારણે લગભગ 9 મહિના બહાર રહ્યા પછી મજબૂત વાપસી કરી હતી.
મીરાબાઇઍ ફેબ્રુઆરીમાં થાઇલેન્ડમાં યોજાયેલા ઇજીઍટી કપમાં સ્નેચમાં 80 અને ક્લિન ઍન્ડ જર્કમાં 110 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધા મીરાબાઇ માટે 6 ઓલિમ્પિક્સ ક્વોલિફાઇંગ સ્પર્ધામાંથી ઍક હતી. મણિપુરની આ વેઇટલિફટરને જો કે ઍ ખબર જ છે કે મેડલ સુધીનો તેનો માર્ગ સરળ નહીં જ હોય. મીરાબાઇનું અંગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 196 કિગ્રા છે અને તેમાં સુધારો કરવાનો તે પ્રયાસ કરશે. નેશનલ કોચ વિજય શર્માઍ કહ્યું હતું કે ઓલિમ્પિક્સ માટે મીરાનું લક્ષ્ય 210 કિગ્રા છે. ઍશિયન ચેમ્પિયનશિપમાં અમે 196 કિગ્રાથી વધુ વજન ઉંચકવાનો પ્રયાસ કરશે.
પુરૂષ વિભાગમાં ભારતની નજર યુવા ઓલિમ્પક્સ ચેમ્પિયન જેરેમી લાલરિનનુંગા પર હશે. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ વિકાસ ઠાકુર અને ઍશિયન યુથ ઍન્ડ જૂનિયર વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલિસ્ટ અજય સિંહ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બે વારના કોમનવેલ્થ ચેમ્પિયન સતીષ શિવલિંગમ પોતાના પ્રદર્શન સંબંધી મુદ્દાઅોને કારણે ટુર્નામેન્ટમાંથી હટી ગયો છે.
