ગુજરાતમાં આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે ત્યારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં વિવિધ જગ્યાએ ચૂંટણી સભાઓ સંબોધશે. સૌરાષ્ટ્રમાં આ બંને નેતાઓ વચ્ચે બરાબરની ટક્કર થશે. અમિત શાહ કોડીનારમાં તો રાહુલ ગાંધી મહુવા ખાતે સભાને સંબોધન કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ચૂંટણી સભાઓ સંબોધશે. સીએમ વિજય રૂપાણી પોરબંદરના ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે.
કોણ ક્યાં અને ક્યારે ચૂંટણી સંભાને સંબોધશે:
1) રાહુલ ગાંધી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. પરેશ ધાનાણી, મનહર પટેલ, પુંજાભાઈ વંશના સમર્થન માટે રાહુલ ગાંધી મહુવા નજીક આવેલા આસરાણા ચોકડી ખાતે બપોરે બે વાગ્યે સભા સંભોધન કરશે.
2) અમિત શાહ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જૂનાગઢ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે, તેઓ કોડીનાર ખાતે ચૂંટણી સભા ગજવશે. સભા પહેલા તેઓ રોડ શો પણ કરશે અને કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. અમિત શાહ બપોરે 11 કલાકે કોડીનાર ખાતે ચૂંટણી સભા યોજશે. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસા ખાતે 2 વાગ્યે રોડ શો કરશે અને બાદમાં રિસાલા બજાર ખાતે જહેર સભા સંબોધશે.
3) વિજય રૂપાણી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના ચૂંટણી પ્રચાર માટે પોરબંદરમાં રહશે. સાંજે 6 વાગ્યે તેઓ સુદામા ચોક ખાતે પહોંચી જાહેરસભાને સંબોધન કરશે. આ પહેલા તેઓ ઉપલેટા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે.
4) પુરુષોત્તમ રૂપાલા : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઈડરના જાદર ખાતે જાહેર સભા સંબોધશે. ચૂંટણી સભામાં ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય હિતુ કનોડિયા અને હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા હાજર રહશે. રૂપાણા સવારે 10.30 વાગ્યે સભા યોજાશે. આ ઉપરાંત તેઓ સાબરકાંઠાજિલ્લાના બાયડ એપીએમસી ખાતે સાંજે પાંચ કલાકે જાહેર સભા સંબોધન કરશે.