
દુબઇ : શારજાહમાં ચાલી રહેલી T૧૦ ક્રિકેટ લીગમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ શાનદાર પ્રદર્શન કરતાં હૅટ-ટ્રિક લીધી હતી તો ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો.
બુમ-બુમ આફ્રિદીના આ શાનદાર પ્રદર્શનને કારણે તેની પખ્તુન્સ ટીમે ગુરુવારે રમાયેલી મૅચમાં સેહવાગની મરાઠા અરેબિયન્સને ૨૫ રનથી હરાવી દીધી હતી. પહેલાં બૅટિંગ કરતાં પખ્તુન્સની ટીમે નિર્ધારિત ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૨૧ રન બનાવ્યા હતા.
૧૨૨ રનના લક્ષ્યાંકને આંબવા માટે મેદાનમાં ઊતરેલી મરાઠા અરેબિયન્સ ટીમ ૧૦ ઓવરમાં સાત વિકેટે ૯૬ રન બનાવી શકી અને ૨૫ રનથી મૅચ હારી ગઈ હતી. હેલ્સ નૉટઆઉટ ૫૭ રનની ઇનિંગ્સ રમ્યો હતો, પરંતુ અન્ય બૅટ્સમેનોનો તેને સાથ નહોતો મળ્યો.
એક સમયે ટીમનો સ્કોર બે વિકેટે ૪૬ રન હતો, પરંતુ શાહિદ આફ્રિદીએ ઇનિંગ્સની પાંચમી ઓવરમાં સતત ત્રણ બૉલમાં રિલી રોસોયુ, ડ્વેઇન બ્રાવો અને કૅપ્ટન વીરેન્દર સેહવાગને આઉટ કરતાં મરાઠા અરેબિયન્સની હાલત બગડી ગઈ હતી. પખ્તુન્સ ટીમ તરફથી આફ્રિદીએ બે ઓવરમાં ૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હોવાથી તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.