બાંગ્લાદેશ સામે એશિયા કપની પ્રથમ મેચ હારી ગયા બાદ શ્રીલંકાની ટીમ જાણતી હતી કે એશિયા કપમાં ટકી રહેવા માટે તેણે ગઈ કાલે અબુધાબીમાં ગ્રૂપ-બીના મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવવું જ પડશે, પરંતુ બન્યું એનાથી ઊલટું.
અફઘાનિસ્તાનના યુવા લડવૈયાઓએ શ્રીલંકનોનો શિકાર કરીને તેમને એશિયા કપની બહારનો રસ્તો દેખાડી દીધો. અફઘાનિસ્તાને શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા રહમત શાહના ૭૨ રન અને અહસાનુલ્લાહ જનતના ૪૫ રનની મદદથી ૫૦ ઓવરમાં ૨૪૯ રન બનાવ્યા.
જવાબમાં રાશિદ ખાન અને મુજીબ-ઉર-રહેમાન જેવા વિશ્વ સ્તરના સ્પિનર સામે શ્રીલંકાના ખેલાડીઓ ટકી શક્યા નહીં અને આખી ટીમ ૪૧.૨ ઓવરમાં ફક્ત ૧૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે પાંચ વાર એશિયા કપ જીતનારી શ્રીલંકાની ટીમ ૯૧ રને મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ.
અફઘાનિસ્તાનની શ્રીલંકા સામેની ત્રણ મેચમાં આ પ્રથમ જીત છે, જ્યારે તેણે વિન્ડીઝને પાંચ મેચમાં ત્રણ વાર, બાંગ્લાદેશની ટીમને પાંચ મેચમાં બે વાર પરાજય આપ્યો છે. આ ઉપરાંત એશિયા કપના ઇતિહાસમાં શ્રીલંકાનો રનના હિસાબે આ બીજા નંબરનો સૌથી મોટો પરાજય છે. આ પહેલાં શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામે ૧૩૭ રને હારી ગઈ હતી.
૫૦ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલા શ્રીલંકાના બેટ્સમેનો જાણતા હતા કે આ આસાન લક્ષ્ય નથી. રાશિદ અને મુજીબનો સામનો કરો તેમના માટે એક પડકાર હતો. ગઈ કાલની મેચમાં શ્રીલંકાની ટીમ ક્યારેય પણ લક્ષ્ય હાંસલ કરી લેવાની હાલતમાં જોવા મળી નહોતી.
ઇનિંગ્સના બીજા જ બોલ પર મુજીબે કુશલ મેન્ડિસને શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ત્યાર બાદ ધનંજય ડી’સિલ્વા (૨૩) રનઆઉટ થઈ ગયો. ૫૪ રનમાં બે વિકેટ ગુમાવી ચૂકેલી શ્રીલંકાની હાલત ખરાબ થઈ ચૂકી હતી ત્યારે જ રાશિદ ખાને કુશલ પરેરા (૧૭)ને બોલ્ડ કરીને ત્રીજો ઝટકો આપ્યો હતો.
પછીની ઓવરમાં જ શ્રીલંકાએ ઉપુલ થરંગા (૩૬)ની વિકેટ ગુમાવી દીધી. ટીમનો સ્કોર ૧૦૮ રને પહોંચ્યો ત્યારે જેહાન જયસૂર્યા પણ ૧૪ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ શ્રીલંકાના કોઈ બેટ્સમેન ક્રીઝ પર ઝાઝું ટકી શક્યા નહોતા અને આખી ટીમ ૪૧.૨ ઓવરમાં ૧૫૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
અગાઉ ટોસ જીતીને બેટિંગ કરવા ઊતરેલા અફઘાન ખેલાડીઓએ નીડરતાથી બેટિંગ કરી હતી. મોહંમદ શહજાદ (૩૪) બાદ રહમત શાહે ૯૦ બોલમાં ૭૨ રન બનાવીને અફઘાનિસ્તાન માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. હસમતુલ્લાહે પણ ૩૭ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને અફગાનિસ્તાન ૫૦ ઓવરમાં ૨૪૯ રન બનાવવામાં સફળ રહ્યું હતું.